કોરોના વાયરસ મહામારીને લઇને દુનિયાભરમાં વિવાદો વચ્ચે ઘેરાયેલા ચીનના વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીએ પોતાની વેબસાઇટ પરથી લેબમાં કામ કરતાં વૈજ્ઞાનિકોની તસવીરો ડીલીટ કરી દીધી છે.આ તસવીરોથી સ્પષ્ટપણે ખબર પડે છે કે કેવી રીતે આ લેબના વૈજ્ઞાનિકો બેદરકારી અને ઓછા સુરક્ષા ઉપકરણો સાથે ખતરનાક વાયરસ પર ટેસ્ટ કરતાં હતા.માનવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીને નાથવામાં પોતાની ખામીઓ છુપાવવા માટે ચીને આ પગલુ લીધું છે.
સુરક્ષા કિટ વિના જ પકડતાં હતાં ચામાચિડિયા
કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં 2,48,256 લોકોના મોત થયાં છે જ્યારે 35 લાખથી વધુ લોકો સંક્રમિત છે.આ મહામારીનો ગઢ રહેલા ચીનથી આ વાયરસ લગભગ ખતમ થવા આવ્યો છે,ત્યાં દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે.આ વચ્ચે મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ઇન્સ્ટીટ્યુટનો સ્ટાફ કોઇ સુરક્ષા કિટ વિના જ ગુફાઓમાં જઇને ચામાચિડિયા પકડતાં હતાં અને સ્વાબ એકઠા કરતાં હતાં. ત્યાં આ વાયરોલોજીમાં એક ફ્રીજમાં 1500 પ્રકારના વાયરસને એક સાથે રાખતાં હોવાની તસવીર પણ સામે આવી હતી.આ ઉપરાંત ઇન્સ્ટીટ્યુટે અમેરિકન વૈજ્ઞાનિકોની વિઝિટને પણ પોતાની વેબસાઇટની હિસ્ટ્રીથી ડિલિટ કરી દીધાં છે.
એક રિપોર્ટ મુજબ,આ ફોટાઓમાં એવું જોવા મળ્યું હતું કે ચીની લેબમાં કામ કરતા સ્ટાફ પૂરતા સલામતીના ધોરણોનું પાલન નથી કરી રહ્યા.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા વિશ્વ નેતાઓ કોરોના વાયરસના ફેલાવા માટે ચીની લેબ પર સવાલ કરી રહ્યા છે.યુએસ અધિકારીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ,ગયા મહિને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ આવા કેટલાક ફોટા ડિલીટ કરી નાખ્યાં હતાં જેમાં વૈજ્ઞાનિકો ચીની લેબમાં કામ કરતા જોવા મળ્યાં હતાં.એટલું જ નહીં, લેબ દ્વારા અમેરિકન ડિપ્લોમેટની મુલાકાતથી સંબંધિત જાણકારી પણ એડિટ કરી હતી.
જણાવી દઈએ કે અમેરિકન ડિપ્લોમેટ્સે ચીની લેબમાં ચામાચિડીયામાંથી મળી આવેલા કોરોના વાયરસના પ્રયોગ અંગે ચેતવણી આપી હતી.તો,આ અઠવાડિયે,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ગુપ્તચર દસ્તાવેજો જોયા છે,જેના આધારે તેમને પુરો વિશ્વાસ છે કે,કોરોના વાયરસ વૈશ્વિક સંકટનું મૂળ વુહાન ઈન્સ્ટિટ્યુટ છે.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની વેબસાઇટના એક પેજ પર,ચામાચિડીયામાંથી કોરોના વાયરસનાં સેમ્પલ લેવા માટે સ્ટાફને ગુફામાં જતો દેખાડવામાં આવ્યો હતો.આ સમય દરમિયાન, સંસ્થાના કર્મચારીઓની પાસે પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ ઘણા ઓછા હતા.તો,અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સનાં ડિરેક્ટરની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી એ વાતની તપાસ ચાલુ રાખશે કે કોરોના વાયરસ ચેપગ્રસ્ત જીવોથી માણસોમાં આવ્યો છે કે વુહાનની લેબમાં દુર્ઘટનાનાં લીધે લીક થયો છે.
અમેરિકન વૈજ્ઞાનિકે આપી હતી ચેતવણી
હકીકતમાં માર્ચ 2018માં અમેરિકન દૂતાવાસના વૈજ્ઞાનિક રિક સ્વિટઝરે આ લેબની વિઝિટ લીધી હતી. તે બાદ સ્વિટઝરે અમેરિકાના વિદેશ વિભાગને ચેતવણી ભર્યો સંદેશ મોકલ્યો હતો.આ સંદેશમાં સ્વિટઝરે કહ્યું હતું કે આ લેબની અંદર તૂટેલી સીલ જોવા મળી હતી.આ તસવીરો પહેલીવાર ચાઇના દૈનિક અખબારે 2018માં રિલિઝ કરી હતી.ટ્વિટર પોસ્ટ થતાં જ તે સવાલો વચ્ચે ઘેરાઇ હતી કારણ કે લોકોને આ લેબની એવી ખામીઓ જોવા મળી જેના કારણે લેબમાંથી વાયરસ લીક થવા પર ઉઠી રહેલા સવાલોને બળ મળ્યું છે.


