અભિજીત દીપકે ગુરુવારે રાત્રે યોજેલી પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસ અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ પર પોતાની હિલચાલ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે દાવો કર્યો હતો કે તેઓ જ્યાં રોકાયા છે તે મકાનની આસપાસ પોલીસ અને ગુપ્તચર વિભાગના કર્મચારીઓની અવરજવર વધી ગઈ છે.તેમના જણાવ્યા પ્રમાણે, ઘરની આસપાસની ગલીઓમાં પોલીસની હાજરી હતી અને તેઓ બહાર નીકળે ત્યારે નંબર પ્લેટ વગરનાં વાહનો તેમનો પીછો કરતાં હતાં.દીપકેએ એવો પણ દાવો કર્યો હતો કે પોલીસ અને ગુપ્તચર વિભાગના કર્મચારીઓ મકાનના ચોકીદાર સાથે વાતચીત કરીને તેમના વિશે માહિતી મેળવી રહ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે પોલીસ તેમની અટકાયત કરી શકે છે.શુક્રવારે તેમની અટકાયત થતાં CJPના પ્રસ્તાવિત વિરોધ કાર્યક્રમ પહેલાં રાજધાનીમાં રાજકીય હલચલ વધી હતી.CJPના બે નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા અગાઉથી જ ન્યાયિક કસ્ટડીમાં છે.જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શનના મામલે બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પાંચ દિવસ માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.આ કાર્યવાહીનો વિરોધ કરતાં દીપકેએ દાવો કર્યો હતો કે તિરંગો ફરકાવવાના કારણે પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.દાસ અને રાંકાની અટકાયત બાદ CJPએ વિરોધ વધુ તેજ કરવાની જાહેરાત કરી હતી.પાર્ટીએ કનૉટ પ્લેસમાં તિરંગો ફરકાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.પોલીસ દ્વારા મંજૂરી ન મળતાં કાર્યક્રમ અને તેના આયોજનને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ હતી.દિલ્હી પોલીસની કાર્યવાહીથી CJPના કાર્યક્રમ પર અસર પડી છે.પાર્ટીના નેતાઓ સામે અગાઉ થયેલી કાર્યવાહી અને હવે દીપકેની અટકાયતને કારણે તિરંગા માર્ચનો મુદ્દો રાજકીય ચર્ચામાં આવ્યો છે.


