દરદીઓને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર ખોટા રિવ્યૂ, કૃત્રિમ બુદ્ધિમત્તાથી તૈયાર કરાયેલા પ્રશંસાપત્રો અને સારવારની સફળતાની ૧૦૦ ટકા ગૅરંટી આપતા દાવાઓ સામે નૅશનલ મેડિકલ કમિશન (NMC)એ ડૉક્ટરો અને હૉસ્પિટલો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.આ નિયમોનો હેતુ તબીબી સેવાઓના પ્રચારમાં પારદર્શિતા લાવવા અને દરદીઓને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી બચાવવાનો છે.નવી માર્ગદર્શિકા અનુસાર, ડૉક્ટરો કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)નો ઉપયોગ કરીને બનાવટી દરદીના રિવ્યૂ,ખોટાં પ્રશંસાપત્રો કે પોતાની સારવારની પ્રશંસા કરતી ભ્રામક સામગ્રી રજૂ કરી શકશે નહીં.તબીબી સેવાઓ મેળવવા માટે લોકો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરતા થયા છે ત્યારે આવી સામગ્રીના આધારે દરદીઓ ખોટો નિર્ણય ન લે તે માટે આ નિયમો મહત્ત્વપૂર્ણ છે.કૉસ્મેટિક સર્જરી અને અન્ય તબીબી પ્રક્રિયાઓના પ્રચારમાં સારવાર પહેલાં અને પછીની તસવીરોનો ઉપયોગ પણ નિયંત્રણ હેઠળ રહેશે.આવી તસવીરો દ્વારા સારવારનાં પરિણામો અંગે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી થઈ શકે છે.દરેક દરદીની શારીરિક સ્થિતિ, બીમારીની ગંભીરતા અને સારવાર પ્રત્યેનો પ્રતિભાવ અલગ હોય છે.એક વ્યક્તિને મળેલું પરિણામ દરેક દરદીને મળશે જ એવી ખાતરી આપી શકાય નહીં.કોઈ પણ બીમારીની સારવાર માટે સંપૂર્ણ સફળતાની ગૅરંટી આપતા દાવાઓ પણ તબીબી નૈતિકતાના નિયમો સાથે સુસંગત નથી.સારવારના પરિણામો અનેક પરિબળો પર આધારિત હોય છે.તેથી ચમત્કારિક પરિણામો,નિશ્ચિત સાજા થવાના દાવા અથવા વાસ્તવિક તબીબી પુરાવા વગરના પ્રચારથી દરદીઓમાં ખોટી આશા ઊભી થઈ શકે છે.આ માર્ગદર્શિકાનો વ્યાપ પરંપરાગત જાહેરાતો પૂરતો મર્યાદિત નથી.ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યુબ સહિતનાં ડિજિટલ માધ્યમો પર તબીબી સેવાઓનો પ્રચાર કરતી વખતે પણ લાગુ પડતા નિયમોનું પાલન કરવાનું રહેશે.ડૉક્ટરો દ્વારા શેર કરવામાં આવતી આરોગ્યલક્ષી માહિતી તથ્ય આધારિત, જવાબદાર અને દરદીઓના હિતને પ્રાથમિકતા આપતી હોવી જરૂરી છે.સોશિયલ મીડિયા પર સારવારના વિકલ્પો શોધતા લોકો ઘણી વખત રિવ્યૂ,સફળતાની વાર્તાઓ અને જાહેરાતોથી પ્રભાવિત થાય છે.બનાવટી પ્રશંસાપત્રો અથવા વધારીને રજૂ કરાયેલાં પરિણામો તેમને ખર્ચાળ સારવાર તરફ દોરી શકે છે.નવી માર્ગદર્શિકા તબીબી પ્રચારમાં આવી પદ્ધતિઓને રોકવા અને દરદીઓને વધુ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ તરીકે મહત્ત્વ ધરાવે છે.


