અમદાવાદ : વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ વચ્ચેની સંયુક્ત સાહસ કંપની વોડાફોન આઈડિયા ટેલિકોમ ટાવર કંપનીઓના જૂન માસનાં ભાડા અને વીજળીના બિલ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. એક ટાવર કંપનીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે ભારત સરકારને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની બાકી ચૂકવણી કરવાને કારણે તેની પાસે લિકવીડીટીની અછત હોવાથી ભાડુ ચૂકવી શકાયું નથી.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે કંપની સામાન્ય રીતે દર મહિને 3જી તારીખે રોજ ભાડુ ચૂકવે છે. પરંતુ આ મહિને અમને કંઈ મળ્યું નથી.તમામ ટેલિકોમ ટાવર કંપનીઓ પર વોડાફોન આઈડિયાની કુલ બાકી રકમ કરોડો રૂપિયા છે. ‘તેમણે કહ્યું કે આની અસર ટાવર કંપનીઓ પર પણ પડી શકે છે, કેમ કે તેઓએ પણ વીજ કંપનીઓ સહિત ઘણાં સપ્લાયર્સને ચૂકવણી કરવી પડે છે.
અત્રે નોંધનીય છે કે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બુધવારે જણાવ્યું કે,સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાયદાકીય લેણાની જોગવાઈ બાદ માર્ચ 2020માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ચોખ્ખી ખોટ 73,878 કરોડ રૂપિયા નોંધાઈ છે.આ ખોટ કોઈ પણ ભારતીય કંપનીને થયેલી સૌથી મોટું વાર્ષિક નુકસાન છે.અદાલતે આદેશ આપ્યો હતો કે,કાયદાકીય લેણાની જોગવાઈમાં નોન ટેલિકમ્યુનિકેશન્સની આવકનો પણ સમાવેશ કરાશે,ત્યારબાદ કંપનીને રૂપિયા 51,400 કરોડ રૂપિયા ચુકવવાના છે.