નવી દિલ્હી તા. ૧૦ : આવકવેરા વિભાગે ગઇકાલે કહ્યું કે,તેણે એક એપ્રિલથી આઠ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૨૭.૫૫ લાખ કરદાતાઓને ૧.૦૧ લાખ કરોડ રૂપિયાના રિફંડ આપ્યા છે.આ રકમમાં ૨૫.૮૩ લાખ કરદાતાઓને ૩૦૭૬૮ કરોડ રૂપિયાનું વ્યકિતગત આવકવેરા રિફંડ પણ સામેલ છે.જ્યારે ૧.૭૧ લાખ કરદાતાઓને ૭૦૫૪૦ કરોડ રૂપિયાનો કંપની ટેક્ષ આ દરમિયાન રિફંડ કરાયો છે.
કેન્દ્રીય ડાયરેકટ કર બોર્ડ (સીબીડીટી)એ ટવીટ કરીને કહ્યું, સીબીડીટીએ ૧ એપ્રિલથી ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૨૭.૫૫ લાખ કરદાતાઓને ૧,૦૧,૩૦૮ કરોડનું રિફંડ જાહેર કર્યું છે.કોવિડ-૧૯ મહામારી દરમિયાન સરકારનો પ્રયાસ રહ્યો છે કે કરદાતાઓને કોઇ પણ પ્રકારની પરેશાની વગર સરળતાથી કર અંગેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.આ પ્રયાસો હેઠળ બધાના અટવાયેલા રિફંડો જાહેર કરાઇ રહ્યા છે.


