કોરોનાકાળમાં ખાડામાં ગયેલી દેશની આર્થિક હાલતને સુધારવા માટે સરકાર મથામણ કરી રહી છે. દેશની ઈકોનોમીમાં નવા પ્રાણ ફૂંકવા અને વસ્તુની ડિમાન્ડ વધારવા માટે કેટલાક પગલાઓ લેવામાં આવેલા પગલા બાબતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે.નાણામંત્રીએ દેશમાં ડિમાન્ડ વધારવા માટે ચાર મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે.જેમાં કેન્દ્રીય કર્મચારીઓના LTCથી લઈને એડવાન્સ સ્કિમ સુધી સામેલ છે.
– સરકારી કર્મચારીને એલટીસીનાં બદલે કેશ વાઉચર્સ આપવામાં આવશે
– કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ આપવામાં આવશે
– રાજ્ય સરકારોને ૫૦ વર્ષ સુધી વ્યાજ વગરની લોન આપવામાં આવશે
– બજેટમાં નક્કી કરાયેલા મૂડી ખર્ચ ઉપરાંત કેન્દ્ર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસ માટે ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવો
નાણામંત્રી સીતારમણે આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈકોનોમીમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં લગભગ ૭૩ હજાર કરોડ રૂપિયાની માગ ઉભી થશે. તેમને કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રમાં પણ તેના કર્મચારીઓને રાહત આપવામાં આવી તો ઇકોનોમીમાં કુલ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુની માગ ઉભી થઈ શકે છે.
સરકારી કર્મચારીને એલટીસીનાં બદલે કેશ વાઉચર્સ આપવા બાબતે નાણામંત્રીનું કહેવું હતું કે આ કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે.પરંતુ તેણે LTCની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે.કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર 12 ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે.સામાન ફક્ત GST રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે.કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ બધા ખર્ચા તેણે 31 માર્ચ 2021 સુધીમાં કરવાના રહેશે.
આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર 5675 કરોડ રૂપિયા મળશે. જો સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો 1900 કરોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો 19000 કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે.
સીતારમણે કહ્યું કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહોતી. જોકે હાલમાં એક યોજના અનુસાર દરેક કેન્દ્રીય કર્મચારીને 10,000 રૂપિયા એડવાન્સ દેવાની જોગવાઈ કરવામાં આવી છે.જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે.જેને 10 હપ્તામાં ચૂકવવાની રહેશે.જે ફક્ત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે.
કેન્દ્ર સરકાર રાજ્યોને 12,000 કરોડ રૂપિયાની લોન આપશે. આ લોન 50 વર્ષ માટે અપાશે. જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે.રાજ્યોને આ કરજ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે અપાશે જેથી કરીને ઈકોનોમીને ગતિ મળી શકે.આ રકમમાંથી 1600 કરોડ રૂપિયા નોર્થ ઈસ્ટ રાજ્યોને અપાશે.900 કરોડ રૂપિયા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને મળશે. બાકીના 7500 કરોડ રૂપિયા અન્ય રાજ્યોને મળશે.2000 કરોડ રૂપિયા તે રાજ્યોને અપાશે જે પહેલા અપાયેલા રિફોર્મ્સને પૂરા કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ રકમને નવા કે ચાલુ પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાના રહેશે.

