મુંબઈ તા.19 : કોરોના કાળમાં નોટીસ-સર્વે-દરોડા જેવી કામગીરી પરની પાબંદી દુર થવાની સાથે જ કરવેરા વિભાગ દ્વારા નોટીસોનો ઢગલો શરૂ કરી દેવામાં આવ્યો છે.આવકવેરા વિભાગ તથા જીએસટી તંત્ર વચ્ચે આંકડાકીય માહિતીની આપ-લેના આધારે આ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે.
રાજકોટમાં ગત સપ્તાહમાં સેંકડો નોટીસો ઈસ્યુ થઈ છે તે જ ધોરણે દેશભરમાં હજારો-લાખો નોટીસો આપવામાં આવી છે.2014-15ના આકારણી વર્ષમાં કરદાતાએ ઈન્કમટેકસ ચુકવ્યો હતો.પરંતુ સર્વિસ ટેકસ ભર્યો ન હોવાનું માલુમ પડતા આ નોટીસો આપવામાં આવી છે. સર્વિસ ટેકસ ભર્યા વિના સંબંધીત કરદાતાઓને કયાંથી અને કેવી રીતે આવકો થઈ? તે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.જીએસટી તંત્ર દ્વારા નોટીસો ઈસ્યુ કરીને આવક પર 15 ટકા સર્વિસ ટેકસ ચુકવવા કહેવાયુ છે.આવક લાખોમાં હોવા છતાં સર્વિસ ટેકસ ઝીરો કેવી રીતે? તેના સવાલ સાથે ખુલાસા પણ માંગવામાં આવ્યા છે.સૂત્રોએ એમ કહ્યું કે કેટલાંક કિસ્સામાં તો જયોતિષ જેવા ક્ષેત્રના વ્યવસાયિકોને પણ નોટીસ આપવામાં આવી છે.સૂત્રોએ એમ કહ્યું છે કે આવકવેરા વિભાગના રેકર્ડને જીએસટી ક્ષેત્રે સરખાવ્યા હતા અને તેના આધારે નોટીસો આપવામાં આવી છે.
કરવેરા નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે ટેકનોલોજી યુગમાં વિવિધ સરકારી વિભાગો વચ્ચેના રેકર્ડના આદાન-પ્રદાન હવે વધવાના છે.જીએસટી લાગુ થયા બાદ આંકડાઓનો ઢગલો છે.આવકવેરા વિભાગ પણ તેનું અવલોકન કરીને કરચોરી પકડવા મથે છે.ઈન્કમટેકસ સાથે શેરબજાર રેગ્યુલેટર સેબીએ પણ રેકર્ડની આપ-લેના કરાર કરેલા છે.અત્યાર સુધી કરચોરી માટે કરદાતાઓ જુદા-જુદા વિભાગોને અલગ-અલગ હિસાબી સરવૈયા આપતા હતા.
એકબીજા વિભાગો સાથે સંકલન ન હોવાથી કરચોરી પકડાતી ન હતી.પરંતુ હવે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.કરવેરા વિભાગ દ્વારા આંકડાકીય તફાવત ચકાસવા માટે નિષ્ણાંતોની મદદ લેવાનું પણ શરુ કરવામાં આવ્યું છે અને તેના આધારે કરચોરી પકડવાનું આસાન થઈ ગયું છે.


