સુરત : સુરત અને નવસારીની ખાનગી કંપનીઓનું 121 કરોડનું બેંક ક્રેડિટ કૌભાંડ સામે આવ્યું છે.જેને લઈ ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(સીબીઆઈ)ની ટીમોએ 5 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી હતી.જેમાં સીબીઆઈને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટો હાથ લાગ્યા છે.આ બાબતે સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે,સુરત અને નવસારીની જુદી જુદી કંપનીઓના નામે વર્ષ 2017 થી 2019 સુધીમાં કેનેરા બેંક ઉપરાંત અન્ય 4 રાષ્ટ્રીય બેંકોમાંથી અંદાજીત 121.05 કરોડની લોન લેવાઈ હતી. જોકે લોનની રકમ ભરપાઇ ન કરાતા બેંક ખાતાઓ એનપીએ થયા હતા.
આ બાબતે બેંકોએ ખાનગી કંપની અને ડાયરેકટરો સામે કાર્યવાહી કરવા સીબીઆઈમાં ફરિયાદ કરી હતી. જેના આધારે સીબીઆઈની ટીમોએ ગુરુવારે સવારે સુરત અને નવસારીની ખાનગી કંપનીઓની ઓફિસોમાં તેમજ રહેણાંક સ્થળે દરોડોની કાર્યવાહી કરી હતી. જેમાં સીબીઆઈ ટીમોને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. જેનાથી આગામી દિવસોમાં રૂપિયા 121 કરોડના લોન કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓ વિરૂધ્ધ સીબીઆઈ કાર્યવાહી કરી શકે તેમ છે.એવી પણ વાત મળી છે કે, સીબીઆઈની ટીમે રિંગ રોડની એક માર્કેટ,કોલસાના વેપાર સાથે સંકળાયેલી કંપની અને નવસારીના ફેબ્રિક્સ યાર્નની કંપનીમાં સર્ચ કર્યું છે.


