વાપી : વાપીમાં થર્ટી ફર્સ્ટ ઉજવીને આવતા દારૂના આરોપીઓ માટે ત્રણ હોલ બુક કરી દેવાયા છે.કોરોના સંક્રમણ ન વધે તે માટે આ ખાસ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.થર્ટી ફર્સ્ટમાં દર વર્ષે સંઘપ્રદેશમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા આરોપીઓને પોલીસ સ્ટેશને કસ્ટડીમાં રાખી કાર્યવાહી હાથ ધરાતી હતી.જોકે કોરોના કાળને ધ્યાને લઇ જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ મથક માટે હોલ-વાડી ફાડવામાં આવી છે.
જ્યાં આરોપીઓને સોશ્યિલ ડિસ્ટન્સીંગ સાથે રાખવામાં આવશે અને ત્યાં જ તેઓ સામે કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાશે.દર વર્ષે વાપી ટાઉન,જીઆઇડીસી અને ડુંગરા પોલીસ દ્વારા સંઘપ્રદેશ દમણ અને દાનહથી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા 1000થી 1200 લોકોની ધરપકડ કરાય છે.

જ્યારે તેમને રાખવા માટે કસ્ટડી ભરાઇ જતા પોલીસ સ્ટેશનના ઉપર-નીચે ખાલી પડેલી જગ્યામાં બેસાડવાની નોબત આવતી હોય છે.આ વખતે વાપી ટાઉનમાં ઝડપાયેલા આરોપીઓને સીનિયર સીટીઝન હોલ,જીઆઇડીસીના આરોપીઓને વીઆઇએ હોલ અને ડુંગરાના આરોપીઓને છરવાડા ગામ સ્થિત ઓસવાલ સમાજની વાડીમાં રાખવાની તૈયારી કરાઇ છે.


