સુરત : મગદલ્લામાં અઢી વર્ષની બાળકી 6 ફુટ ઊંચાઈ પરથી અન્ડર ગ્રાઉન્ડ પાણીની ખાલી ટાંકીમાં પડી જતા અંધારામાં 10 કલાક સુધી ટાંકીમાં જ પડી રહી હતી.સવારે રડવાનો અવાજ સાંભળી પોલીસ અને સ્થાનિકોએ બાળકીને સહી સલામત શોધી કાઢી હતી.મૂળ બિહારના યુવકની બાળકી ગુમ થતા ડુમસ પોલીસને જાણ કરાઈ હતી.જેથી પીઆઈ અંકિત સોમૈયાએ ટીમો બનાવી રાત્રે 10 વાગ્યેથી શોધખોળ શરૂ કરી હતી. બાળકી સવારે 5.30 વાગ્યે પાણીની ખાલી ટાંકીમાં સહી સલામત મળી આવતા તેને સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા.
બાળકીને શોધવા ડુમસ પોલીસે સ્થાનિક યુવકોની મદદથી મંગદલ્લા બંદર વિસ્તારની 300 ખોલી ચેક કરી હતી.એ સાથે જ એક ટીમે સીસીટીવી ચેક કર્યા તો બીજી ટીમે ટોર્ચ લઈ આજુબાજુના વિસ્તારોમાં ચેકિંગ કરી હતી.બાળકી ઘર પાસે રમતી વેળા રસ્તો ક્રોસ કરી સામેના છેડે 100 ફુટના અંતરે એક બિલ્ડિંગ પાસે પહોંચી હતી.બિલ્ડિંગમાં અડધી ખુલ્લી અન્ડર ગ્રાઉન્ડ ટાંકી હતી.બાળકી ડોકીયું કરવા જતા 6 ફુટ ઊંડી ટાંકીમાં પડી ગઈ હતી.બાળકી અંધારામાં લગભગ 10 કલાક સુધી ટાંકીમાં પડી રહી હતી.