સુરત : રૂસ્તમપુરામાં ગત રવિવારે બે ગેંગ વચ્ચે થયેલી બબાલમાં પોલીસ પર હુમલો કરાયો હતો.જેમાં સલાબતપુરા પોલીસે માથાભારે અન્નુ સહિત કુલ 9 તોફાની તત્વોની ધરપકડ કરી હતી.
કુખ્યાત અન્નુ અને માથાભારે કરીમ ચીનાની ગેંગ વચ્ચે મહિલાની છેડતી બાબતે બબાલમાં પોલીસ પર હુમલો થયો હતો.આ હુમલામાં સલાબતપુરા પોલીસે વધુ 4ની ધરપકડ કરી છે.જયારે મારામારી મામલે નોંધાયેલા ગુનામાં માથાભારે અન્નુ સહિત 5ની ધરપકડ કરી છે.આમ પોલીસે બંને કેસોમાં 9 તોફાની તત્વો સામે કાર્યવાહી કરાઈ છે.બે દિવસ પહેલાં 4 સગીરોની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.રવિવારે અન્નુ તેના સાગરીતો સાથે તલવાર લઈને કરીમ ચીના સાથે ઝઘડો કરવા રૂસ્તમપુરા ગયો હતો.ત્યાં કરીમના માણસો ભેગા થઈ જતાં બંને ગેંગ વચ્ચે બબાલ થતા અન્નુ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
અન્નુ ભાગી રહ્યો હતો ત્યારે માનદરવાજા પાસે બે પોલીસ કોન્સ્ટેબલે વાહન ચેકિંગ દરમિયાન અન્નુને આંતર્યો હતો.અન્નુને અટકાવતા તેણે પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો.જેમાં કોન્સ્ટેબલ વિજયને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી.પોલીસ પર થયેલા હુમલામાં માથાભારે અપ્પુ ઉર્ફે અવિનાશ રવિ રાઠોડ,કોમલ ઉર્ફે કેતન સંજય રાણા,નિતીન ઉર્ફે બુજુ મુકેશ દંતાણી અને જેનીશ ઉર્ફે જેનુ મુકેશ પટેલની ધરપકડ કરી છે.આ ઝઘડામાં બે ગેંગ વચ્ચે મારામારી થઈ તેમાં પોલીસે માથાભારે અનિલ ઉર્ફે અન્નુ રવિ પટેલ,બાલકિષ્ણા ઉર્ફે જમરૂખ વિનોદ પારડે,રોહિત ઉર્ફે લાલી રવિ પટેલ,યશ ઉર્ફે કાલીયો અજય રાજપૂત અને ભાવેશ જશવંત સોલંકીની ધરપકડ કરી છે.


