બારડોલી : બારડોલી સહિત જિલ્લામાં નગરસેવક અને પીએસઆઇ સહિત કેટલાક લોકો ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા છે.વિડીયો કોલ પર અશ્લીલ હરકતો કરતાં તેમના વિડીયો વાઇરલ કરવામાં આવી રહ્યા છે.આ ગેંગ ઘણા સમયથી સક્રિય છે અને અનેક લોકોને પોતાની માયાજાળમાં ફસાવી રહી છે.આ ઘટનામાં સુરત જિલ્લા LCB પોલીસ બે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.દક્ષેશ શેઠે તેની સાથે થયેલી છેતરપિંડી તેમજ બારડોલીમાં વિડીયો વાઇરલ કરવા અંગે પણ ફરિયાદ નોંધાવી છે.જેથી આજ રોજ બારડોલીના પ્રતિસ્થિત ચાર વ્યક્તિના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક મેસેંજર પર અજાણી યુવતીના નામે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી યુવકોને માયાજાળમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ યુવકો સાથે વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરવામાં આવે છે.
વિડીયો કોલ પૂર્ણ થતાં જ તેનું વિડીયો રેકોર્ડિંગ ભોગ બનનાર યુવકને મોકલવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે બ્લેકમેલિંગનો ખેલ.આ ખેલ દ્વારા જો મોટી રકમ નહીં પહોંચાડવામાં આવે તો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપવામાં આવે છે.બારડોલી વિસ્તારમાં અનેક લોકો આ ખેલનો ભોગ બન્યા છે.જેમાં બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠથી લઈ પીએસઆઇ સુધીના અધિકારીઓ પણ ફેસબુકની આ માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે.જ્યારે પાણી માથાથી ઉપર વહેવા લાગ્યું ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષેશ શેઠે આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે.જેમાં પ્રથમ તેમની સાથે ઓનલાઈન હનીટ્રેપ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ ઉપરાંત બીજી ફરિયાદમાં બારડોલીમાં તેમનો વિડીયો વાઇરલ કરી તેમની સામાજિક પ્રતિષ્ઠા બદનામ કરવા અંગે માનહાનિની ફરિયાદ નોંધાવી છે.જેથી આ બંને ગુનાની તપાસ એલસીબી પીઆઇ બી.કે. ખાચર અલગ અલગ રીતે કરી રહ્યા છે.જે પૈકી છેતરપિંડીમાં મોટે ભાગેના મોબાઇલ ડેટા એનાલિસિસ અને લોકેશનને આધારે રાજસ્થાન તરફ કેટલાક પ્રાથમિક પુરાવા મળતા હોય પોલીસની ટીમ રાજસ્થાન ગઈ હતી.તો બીજી તરફ એલસીબી પોલીસે દક્ષેશ શેઠનો વિડીયો વાઇરલ કરવા બાબતે દક્ષેશ શેઠની ફરિયાદના આધારે તેમની સાથે ઘટના બન્યા બાદ બારડોલીના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિને મદદ માટે વિડીયો મોકલ્યો હોય તેમાંથી જ વિડીયો વાઇરલ થયો હોવાની શક્યતાને આધારે એલસીબી પોલીસે આ ચાર વ્યક્તિના નિવેદન લીધા છે.આ નિવેદનની ઘટના બાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસનો મુખ્ય ધ્યેય લોકોને આ માયાજાળમાં ફસાતા અટકાવવા અને ગેંગનો વહેલી તકે પર્દાફાશ કરવાનો છે.પરંતુ સુરત જિલ્લામાં કેટલાક વિઘ્નસંતોષીઓને ગેંગ પકડાય તેમાં નહીં પરંતુ આ વિડીયો કોણે વાઇરલ કર્યો તેમાં રસ છે.વિડીયો વાઇરલ કરવા અંગે રાજકારણ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ડુપ્લિકેટ દારૂના કેસમાં રાજસ્થાન ગયેલી પોલીસની ટીમ જ સીધી ભરતપુર પહોંચી
બારડોલી અને આજુબાજુના વિસ્તારોમાં અશ્લીલ વિડીયો વાઇરલ થવાની ઘટનાની તપાસ સુરત જિલ્લા એલસીબીને સોંપવામાં આવી છે.જો કે આ તપાસ ટેકનિકલી રીતે વધુ પેચીદી હોય પોલીસ માટે ગુનાના મૂળ સુધી પહોંચવું કપરું બની ગયું છે.બીજી તરફ આ ઘટનાની તપાસ અંગે સાઇબર સેલ પણ સક્રિય થઈ છે.સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં પકડાયેલા ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી પકડાયેલ હતી. જેની તપાસ અર્થે રાજસ્થાન ગયેલી પોલીસની ટીમને જ ઓનલાઈન હની ટ્રેપની તપાસ માટે રાજસ્થાનના ભરતપુર ખાતે પહોંચી હોવાનું જાણવા મળે છે.
નગરસેવકનો વિડીયો બહાર આવતા જ નેતાઓની ગુપ્ત મિટિંગ મળી
બારડોલીમાં નગરસેવકનો વિડીયો વાઇરલ થતાં જ રાજકીય નેતાઓએ ગુપ્ત મિટિંગનો દોર શરૂ કરી દીધો હતો.જેમાં મહિલા નેતાઓ પણ સામેલ હતી.અન્ય કોઈ નેતાની સંડોવણી નથી ને તે બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયા હોવાનું જાણવા મળે છે. અનેક આગેવાનોએ આ ગેંગને મોટી રકમની ચુકવણી કરી હોવાની પણ ચર્ચા છે ત્યારે આ ગુપ્ત મિટિંગ પરથી અન્ય નેતા પણ ભોગ બન્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


