બારડોલી : ઓનલાઈન હનીટ્રેપનો ભોગ બનેલા નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠનો અશ્લીલ વીડિયો વાઇરલ થતા બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ નગરપાલિકા ચીફ ઓફિસરને સંબોધી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કેમ ન કરવામાં આવે તેવી નોટિસ પાઠવવાની માગ કરવામાં આવી છે.
બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે,
બારડોલીમાં કેટલાક દિવસોથી નામી અનામી લોકોના બીભત્સ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.જેમાં બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠનો પણ સમાવેશ થાય છે.દક્ષેશ શેઠના બીભત્સ અને અશ્લીલ વીડિયોને કારણે બારડોલી નગરપાલિકાની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બારડોલીના લોકોએ વિશ્વાસ મૂકીને જેને નગરનો વહીવટની જવાબદારી સોંપી હોય અને આવા જ નેતાઓ આ પ્રકારની અણછાજતી વર્તણૂક કરે તો અન્ય સામાન્ય લોકો પાસે શું અપેક્ષા રાખી શકાય.કેટલાક લોકો તો સદસ્ય પદેથી તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.કોંગ્રેસના મહિલા નેતા સ્વાતિ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ બારડોલી નગરમાં દક્ષેશ શેઠ વિરુદ્ધ પત્રિકા પણ ફરતી થઈ હતી.તદુપરાંત બારડોલી નગરપાલિકામાં પ્રવર્તમાન કાયદા અનુસાર 50 ટકા મહિલા સભ્યો છે.તે સંજોગોમાં ભવિષ્યમાં જ્યારે પાલિકામાં કોઈ મિટિંગ કે સામાન્ય સભા મળે ત્યારે મહિલા સભ્યો દક્ષેશ શેઠની સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવાની સંભાવના છે.આથી કૉંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કેમ ન કરવી તે બદલ શો કોઝ નોટિસ પાઠવવાની માગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ફેસબુક મેસેંજર પર નગરપાલિકાના સભ્ય દક્ષેશ શેઠ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા હતા અને ત્યારબાદ અશ્લીલ હરકતો કરતો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી ગઈ હતી.


