અનોજન રોજગાર મેળવવા માટે સાઉદી અરેબિયા ગયો હતો.ત્યાં નોકરી દરમિયાન સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચામાં તેણે ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો.આ વિવાદ પાછળ ભગવાન શિવ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓનો મુદ્દો પણ જોડાયેલો હતો.અનોજને પોતાની ટિપ્પણી દૂર કરી હતી અને માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો.તેમ છતાં તેની અગાઉની ટિપ્પણીનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર ફેલાયો હતો અને ત્યારબાદ તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી.આ ઘટનાની શરૂઆત જૂન 2025માં શ્રીલંકામાં વાયરલ થયેલા એક વીડિયો સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.વીડિયોમાં હિન્દુ યાત્રાળુઓની નજીક દોડતા કૂતરાને એક મુસ્લિમ યુવક લાત મારતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક મુસ્લિમ મહિલાએ ભગવાન શિવ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.તેના જવાબમાં અનોજને તમિલ ભાષામાં પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.આ ટિપ્પણીનો સ્ક્રીનશૉટ સાઉદી અરેબિયામાં તેની કંપની સુધી પહોંચતાં મામલો ગંભીર બન્યો હતો.
અહેવાલ અનુસાર, જુલાઈ 2025માં અનોજનની ધરપકડ કરવામાં આવી હતી.કેસની શરૂઆતની સુનાવણીમાં તેને પાંચ વર્ષની જેલની સજા અને 30 લાખ સાઉદી રિયાલનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ત્યારબાદ અપીલની કાર્યવાહી દરમિયાન સપ્ટેમ્બર 2026માં તેની સજા વધારીને મૃત્યુદંડ કરવામાં આવી હતી.આ નિર્ણયથી શ્રીલંકામાં ચિંતા ફેલાઈ હતી.યુવકના પરિવારજનો ઉપરાંત રાજકીય નેતાઓ,ધાર્મિક આગેવાનો અને માનવાધિકાર સાથે સંકળાયેલા લોકોએ તેને રાહત અપાવવા માટે અપીલ કરી હતી.શ્રીલંકા સરકારે આ કેસમાં રાજદ્વારી સ્તરે હસ્તક્ષેપ કર્યો હતો.યુવકને કાનૂની મદદ મળે અને અપીલની કાર્યવાહી આગળ વધે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.અહેવાલ મુજબ, 11 ઑક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.ત્યારબાદ 13 ઑક્ટોબરે કોર્ટે મૃત્યુદંડનો ચુકાદો રદ કર્યો હતો.આ નિર્ણયથી અનોજન અને તેના પરિવારને મોટી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સાથે અગાઉની પાંચ વર્ષની કેદની સજાને પણ રદ કરીને કેસને ફરી સુનાવણી માટે મૂળ અદાલતમાં મોકલ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આથી યુવકને મૃત્યુદંડમાંથી રાહત મળી છે પરંતુ તેની સામેની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.હવે મૂળ અદાલતમાં કેસની આગળની સુનાવણી દરમિયાન નવો નિર્ણય લેવામાં આવશે.ચુકાદા બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સાઉદી સરકાર અને આ મામલે મદદ કરનારા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કેસે વિદેશમાં રોજગાર માટે જતા નાગરિકો માટે સ્થાનિક કાયદાઓનું પાલન,સોશિયલ મીડિયા પર ધાર્મિક વિષયો અંગે જવાબદારીપૂર્વક વર્તન અને ઑનલાઇન ટિપ્પણીઓના કાનૂની પરિણામો અંગે ફરી ચર્ચા જગાવી છે.


