સુરત : ધોરણ-10 ના જાહેર થયેલા પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાંથી સૌથી વધુ 75.64 ટકા અને સૌથી વધુ એ-1 ગ્રેડ 2532 વિદ્યાર્થીઓ સાથે સુરત રાજયમાં ટકાવારી અને એ-1 ગ્રેડમાં અવ્વલ નંબરનું સ્થાન મેળવ્યુ છે.આ પરિણામમાં સુરતના વરાછા કેન્દ્રનું સૌથી વધુ 86.58 ટકા અને સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું 43.38 ટકા આવ્યુ છે.એ-1 ગ્રેડની સ્કુલોમાં એકવાર ફરી જાણીતી સ્કુલોના દબદબો જોવા મળ્યો છે.શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષ-૨૦૨૧ માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યુ હોવાથી ૧૦૦ ટકા પરિણામ આવવાની સાથે એ-૧ ગ્રેડમાં ૨૯૯૧ વિદ્યાર્થીઓ આવ્યા હતા.આ વર્ષે માર્ચ મહિનામાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાઓ લેવાઇ હતી.સુરત કેન્દ્રમાં નોંધાયેલા કુલ ૮૦૧૪૧ વિદ્યાર્થીઓમાંથી ૭૯૭૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આજના પરિણામમાં સુરત કેન્દ્રનું ૭૫.૬૪ ટકા આવ્યુ હતુ.જેમાં એ-૧ ગ્રેડમાં ૨૫૩૨ અને એ-૨ માં ૯૨૭૪ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા હતા. સુરતના અલગ અલગ કેન્દ્રોની વાત કરીએ તો વરાછા કેન્દ્રનું સૌથી વધુ ૮૬.૫૮ ટકા અને સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું ૪૩.૩૮ ટકા આવ્યુ હતુ.

