મુંબઇ : મની લોન્ડરિંગના કેસમાં પકડાયેલા એનસીપી નેતા અને કેબિનેટ પ્રધાન નવાબ મલિકે તેમજ માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આગામી તા.૧૦મી જુને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે વિધાનભવન પર આવીને મતદાન કરવા દેવા માટે એક દિવસના જામીન માગ્યા છે.જોકે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ બંને અરજીનો વિરોધ કરવાનું વલણ અપનાવ્યું છે.આ અરજીઓ પર આગામી બુધવારે સુનાવણીની સંભાવના છે.
નવાબ મલિકનો મની લોન્ડરિંગ કેસમાં ગઇ ૨૩મી ફેબુ્રઆરીએ ધરપકડ થઇ હતી.જેલવાસ દરમિયાન તેમની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમમે આજે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ જે મતદાર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે તેમના વતી રાજ્યસભાના સભ્યને ચૂંટવા માટે મતદાન કરવા બંધાયેલા છે.તેમણે ઉમેર્યું હતું કે તબીબની દેખરેખ હેઠળ તેમને મતદાન માટે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવે જેથી તેઓ વોટ આપી શકે.આ પહેલાં શુક્રવારે એનસીપીના નેતા અને આર્થિક ગેરરીતીના કેસમાં પકડાયેલા માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મતદાનમાં જવાની મંજૂરી માગતી અરજી કોર્ટમાં કરી હતી.આ બંને નેતાઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
જોકે,આ અરજીઓ પર ક્યારે સુનાવણી યોજવી તે અંગે બચાવ પક્ષના વકીલો તથા કેન્દ્ર સરકારના ધારાશાસ્ત્રીઓ વચ્ચે મતભેદ સર્જાયા હતા.આખરે કેન્દ્ર સરકાર વતી તા.સાતમીએ જવાબ રજૂ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.હવે આવતીકાલે કેન્દ્ર સરકાર વતી જવાબ રજૂ થાય તે પછી બુધવારે સુનાવણી આગળ વધી શકે છે.જોકે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ બંને અરજીઓનો વિરોધ કરવાનું વલણ અપનાવાયું છે.દેશમુખ અને મલિક બંને એનસીપીના નેતા છે.રાજ્યસભામાં છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં હોવાથી દરેક ધારાસભ્યનો મત મહત્વનો છે.


