વોશિંગ્ટન/તેહરાન : મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હવે એક મોટા રાજદ્વારી બ્રેકથ્રૂના સંકેતો મળી રહ્યા છે.અહેવાલો મુજબ ઈરાન પોતાના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના જથ્થાને છોડવા માટે તૈયાર થઈ ગયું છે,જેને અમેરિકા માટે સૌથી મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતી ચર્ચાઓ વચ્ચે આવેલા આ ખુલાસાએ વૈશ્વિક રાજકારણમાં નવી હલચલ મચાવી છે.
યુરેનિયમ છોડવા ઈરાન તૈયાર : અમેરિકી અધિકારીઓનો દાવો
અહેવાલ મુજબ બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રસ્તાવિત કરાર હેઠળ તેહરાન પોતાના હાઈલી એનરિચ્ડ યુરેનિયમના જથ્થાને ત્યાગવા માટે સિદ્ધાંતતઃ રાજી થઈ ગયું છે.લાંબા સમયથી પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું,પરંતુ હવે બંને દેશો સમાધાન તરફ આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.જોકે, ઈરાન આ યુરેનિયમનો નિકાલ કેવી રીતે કરશે અથવા તેને ક્યાં સોંપશે તે મુદ્દે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી.આ મુદ્દો આગામી તબક્કાની ચર્ચાઓ માટે મુલતવી રાખવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ કરવા અને ઈરાન સાથેનો સંઘર્ષ સમાપ્ત કરવા માટે બંને દેશો કરારની ખૂબ નજીક પહોંચી ગયા છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઇઝરાયેલ અને મધ્ય પૂર્વના અન્ય સહયોગી દેશો સાથે ચર્ચા બાદ સમજૂતીનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે અને હવે માત્ર અંતિમ વિગતો પર ચર્ચા ચાલી રહી છે.
ઈરાન સાથેનો સોદો લગભગ ફાઈનલ
ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન સાથેનો કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.જોકે, જાહેરાતની તારીખ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.આ સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવાનો મુદ્દો પણ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.વૈશ્વિક તેલ વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ અત્યંત વ્યૂહાત્મક માર્ગ માનવામાં આવે છે અને ત્યાં સ્થિરતા આવવી વિશ્વ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ બની શકે છે.
અનેક દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની ચર્ચા
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે Israel ઉપરાંત ગલ્ફ દેશો અને બેહરીનના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.
નેતન્યાહૂ સાથેની બેઠક ખૂબ સકારાત્મક
ટ્રમ્પે જણાવ્યું કે તેમની અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે થયેલી વાતચીત ખૂબ સકારાત્મક રહી હતી.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલાં અમેરિકા ઈરાન વિરુદ્ધ નવા હુમલાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું હોવાનું કહેવાતું હતું.તે સ્થિતિમાં યુદ્ધવિરામ તૂટી શકે તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી હતી.
પાકિસ્તાનની મધ્યસ્થતાથી ચર્ચાઓ તેજ
પ્રાદેશિક સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા કરાયેલા મધ્યસ્થતા પ્રયાસો બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટેની ચર્ચાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બંને દેશો હવે ઐતિહાસિક કરારની દહેલીજ પર પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે.


