ઢાકા : બાંગ્લાદેશમાં એક અનોખી ભેંસ પોતાના નામ અને અલગ પ્રકારના દેખાવને કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવી છે.સોનેરી અને લહેરાતા વાળ ધરાવતી આ ભેંસની તુલના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવી રહી છે.બકરી ઈદની તૈયારીઓ વચ્ચે આ ભેંસ હાલ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.આશરે ૧૫૦૦ પાઉન્ડ વજન ધરાવતી આ ભેંસને જોવા માટે દૂર-દૂરથી લોકો નારાયણગંજ વિસ્તારમાં પહોંચી રહ્યા છે.આ ભેંસ બાંગ્લાદેશના નારાયણગંજ નજીક ખેડૂત ઝિયા ઉદ્દીન મૃધાના ખેતરમાં રહે છે.ભેંસના માલિકે જણાવ્યું કે તેમના ભાઈએ મજાકમાં તેના સોનેરી વાળને કારણે તેનું નામ “ડોનાલ્ડ ટ્રમ્પ” રાખ્યું હતું.માલિક ઝિયા ઉદ્દીન મૃધાએ જણાવ્યું કે એક વખત પાંચ મિત્રોના જૂથે ખેતરની મુલાકાત લીધી હતી.તેમણે ભેંસના દેખાવ અને હેરસ્ટાઇલની તુલના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરતાં ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.ત્યારબાદ આ ભેંસ રાતોરાત ચર્ચાનો વિષય બની ગઈ.મૃધાએ હાસ્ય સાથે જણાવ્યું કે તેમના ભત્રીજાએ તો માત્ર “ડોનાલ્ડ ટ્રમ્પ”ને જોવા માટે કલાકોનો હોડીપ્રવાસ કર્યો હતો.આ અનોખી ભેંસને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકોએ રમૂજી ટિપ્પણીઓ કરી તો કેટલાકે રાજકીય કટાક્ષ પણ કર્યા.
ઈદે થશે બલિદાન
ચર્ચામાં આવેલી આ ચાર વર્ષની ભેંસ હવે વધુ દિવસ જીવશે નહીં.ઈદ અલ-અધાના પ્રસંગે તેની કુરબાની માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.બાંગ્લાદેશમાં દર વર્ષે ઈદ અલ-અધા દરમિયાન લાખો પશુઓની કુરબાની આપવામાં આવે છે અને આ વખતે ચર્ચાસ્પદ “ડોનાલ્ડ ટ્રમ્પ” નામની ભેંસ પણ તેમાં સામેલ થશે.ભેંસના માલિક ઝિયા ઉદ્દીન મૃધાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેઓ તેની ખાસ કાળજી લઈ રહ્યા છે અને હવે તેના પ્રત્યે લાગણી પણ બંધાઈ ગઈ છે.તેમણે કહ્યું, મને આ ભેંસની યાદ આવશે, પરંતુ કુરબાની ઈદ અલ-અધાની સાચી ભાવના છે.


