વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન સાથે ચાલી રહેલી ચર્ચાઓને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું છે કે હાલની વાતચીત અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગઈ છે.તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો સમજૂતી નહીં થાય તો વિશ્વ ફરી એકવાર મોટા યુદ્ધના ભયંકર માહોલમાં ધકેલાઈ શકે છે.ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે ચાલી રહેલી ચર્ચાઓ દરેક માટે ઐતિહાસિક સમજૂતી સાબિત થઈ શકે છે,પરંતુ જો કોઈ નિષ્કર્ષ નહીં આવે તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે.
સમજૂતી નહીં થાય તો ભારે ગોળીબાર થશે
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો સમજૂતી નહીં થાય તો દુનિયા ફરી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જશે અને પહેલા કરતાં પણ વધુ ભયંકર ગોળીબાર શરૂ થઈ શકે છે.તેમણે ઉમેર્યું કે અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે કે મધ્ય પૂર્વમાં સ્થિરતા જળવાઈ રહે અને કોઈ નવા યુદ્ધની સ્થિતિ ઊભી ન થાય.
છ મુસ્લિમ દેશોને ખાસ અપીલ
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે અનેક મુસ્લિમ દેશોના ટોચના નેતાઓ સાથે સીધી વાતચીત કરી છે અને તેમને અબ્રાહમ કરારમાં જોડાવા અપીલ કરી છે.આ ચર્ચાઓમાં Saudi Arabia, Pakistan, Turkey, Bahrain, United Arab Emirates, Jordan તેમજ અન્ય મધ્ય પૂર્વના દેશોના નેતાઓ સામેલ રહ્યા હતા.
અનેક નેતાઓ સાથે સીધી ચર્ચા
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન,સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન,કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સહિત અનેક નેતાઓ સાથે વાતચીત કરી હતી.આ ઉપરાંત પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર,તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન,ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી,જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય અને બહેરીનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું ટ્રમ્પે જણાવ્યું.
અબ્રાહમ કરારમાં જોડાઓ
ટ્રમ્પે તમામ દેશોના નેતાઓને અબ્રાહમ કરારમાં જોડાવા અપીલ કરતાં કહ્યું કે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તમામ દેશોએ એક મંચ પર આવવું જરૂરી છે.તેમણે જણાવ્યું કે સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન પહેલેથી જ આ કરારનો ભાગ છે અને તેમને આર્થિક તથા રાજકીય સ્તરે તેનો મોટો લાભ થયો છે.
વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ કરાર
ટ્રમ્પે અબ્રાહમ કરારને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત કરાર ગણાવ્યો હતો.તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા અને કતારે તાત્કાલિક આ કરારમાં જોડાવું જોઈએ અને અન્ય દેશોએ પણ તેનો અનુસરો કરવો જોઈએ.ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે એ પણ કહ્યું કે ભવિષ્યમાં ઈરાનને પણ આ કરારનો ભાગ બનાવવાનો પ્રયાસ થઈ શકે છે.
શું છે અબ્રાહમ કરાર?
અબ્રાહમ કરાર વર્ષ ૨૦૨૦માં અમેરિકાની મધ્યસ્થતાથી શરૂ થયેલો ઐતિહાસિક રાજદ્વારી કરાર છે.તેનો મુખ્ય હેતુ આરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચે વર્ષોથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવી સામાન્ય રાજદ્વારી અને વેપારી સંબંધો સ્થાપિત કરવાનો હતો.આ કરારમાં સૌથી પહેલા સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન જોડાયા હતા. ત્યારબાદ મોરોક્કો અને સુદાન જેવા દેશોએ પણ ઈઝરાયલ સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કર્યા હતા.મધ્યપૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવાનો આ કરાર પાછળનો મહત્વપૂર્ણ વ્યૂહાત્મક હેતુ માનવામાં આવતો હતો,પરંતુ હવે ટ્રમ્પ ખુદ ઈરાનને પણ તેમાં સામેલ કરવાની વાત કરી રહ્યા હોવાથી વૈશ્વિક રાજકારણમાં નવા સંકેતો જોવા મળી રહ્યા છે.


