પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલી આંતરિક તિરાડ હવે મહારાષ્ટ્રના રાજકીય મોડેલ તરફ આગળ વધી રહી છે.પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીએ વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.જો ઋતબ્રત બેનરજીનો આ દાવો સાચો સાબિત થાય તો TMCમાં બે ફાડિયાં પડવા નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદે અને અજિત પવારના જૂથે પોતાની પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીક માટે કાનૂની લડાઈ લડી હતી,તેવી જ સ્થિતિ હવે બંગાળમાં પણ સર્જાઈ શકે છે.જો તેમની પાસે ખરેખર 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોય તો તેઓ બંધારણની દસમી અનુસૂચિ હેઠળ નિર્ધારિત 2/3 બહુમતીના આંકડાને પાર કરી શકે છે જે તેમને કાનૂની સુરક્ષા આપી શકે છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 6 મેના રોજ થઈ હતી.ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના ઠરાવ સંબંધિત દસ્તાવેજોમાં નેતા વિપક્ષ અને અન્ય હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે તેમની સહીઓ બનાવટી રીતે કરવામાં આવી હતી.આ આક્ષેપો બાદ બંને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
પાર્ટીની અંદરનો મુખ્ય વિવાદ અભિષેક બેનરજીની નેતાગીરી અને પક્ષમાં IPACની વધતી દખલગીરીને લઈને હોવાનું કહેવાઈ રહ્યું છે.સોમવારે ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે બળવાખોર નેતાઓ પાર્ટી તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે.બીજી તરફ ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહા MLA હોસ્ટેલમાં અનેક ધારાસભ્યો સાથે મુલાકાત કરીને પોતાની તાકાત વધારવાના પ્રયાસોમાં લાગ્યા હોવાનું કહેવાય છે.ઋતબ્રત બેનરજીએ મીડિયાને જણાવ્યું હતું કે, પક્ષે મને કાઢી મૂક્યો છે, પરંતુ હું માનું છું કે હું હજુ પણ TMCમાં જ છું.વિધાનસભામાં અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી.
વિધાનસભાના ગણિત પર નજર કરીએ તો TMCના કુલ 80 ધારાસભ્યો છે.નવા જૂથને માન્યતા મેળવવા માટે બંધારણીય રીતે 52 ધારાસભ્યોની જરૂર છે.રિજુ દત્તાએ પણ સ્વીકાર્યું હોવાનું કહેવાય છે કે ઋતબ્રત બેનરજી સાથે 59 ધારાસભ્યો છે.જો આ આંકડો સાચો સાબિત થાય તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ જૂથ સુરક્ષિત બની શકે છે અને પાર્ટીના નામ તેમજ ચૂંટણી પ્રતીક પર પોતાનો દાવો વધુ મજબૂત કરી શકે છે.બીજી તરફ મમતા બેનરજીના નજીકના માનવામાં આવતા સાંસદ કલ્યાણ બેનરજીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ બનાવવાની માગ કરી છે.તેમણે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને ડેપ્યુટી લીડર તેમજ ફરીહાદ હાકિમને ચીફ વ્હીપ બનાવવાની ભલામણ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ઋતબ્રત બેનરજીનો 50થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કેટલો સાચો સાબિત થાય છે અને શું પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર જેવી રાજકીય ઉથલપાથલ જોવા મળશે?


