મુંબઈ : ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્ડસઇન્ડ બેંકની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.બેંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો વિવાદ ઉભો થયો છે.બેંકના એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે 46 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય (PMO), ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત દેશની વિવિધ તપાસ એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.આ સમાચારની અસર બેંકના શેર પર પણ જોવા મળી છે.આજના પ્રારંભિક કારોબારમાં ઇન્ડસઇન્ડ બેંકનો શેર 2.50 ટકાથી વધુ ઘટીને 888.80 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.
એક રિપોર્ટ અનુસાર ફરિયાદની નકલો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) અને નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)ને પણ મોકલવામાં આવી છે.ફરિયાદમાં બેંકના પૂર્વ ઇસ્ટ ઝોનલ હેડ સમિર અગ્રવાલ પર ઇન્સાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.વિસલબ્લોઅરના દાવા મુજબ સમિર અગ્રવાલે બેંકની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ કરીને પોતાના પરિવાર અને સંબંધિત સંસ્થાઓ મારફતે શેરોમાં ટ્રેડિંગ કર્યું હતું. આરોપ મુજબ બેંકની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર થાય તે પહેલાં આશરે 815 કરોડ રૂપિયાના શેર સોદા કરીને લગભગ 46 કરોડ રૂપિયાનો નફો મેળવવામાં આવ્યો હતો.ફરિયાદમાં માત્ર ઇન્સાઇડર ટ્રેડિંગ જ નહીં પરંતુ બેંકના ગવર્નન્સ અને નાણાકીય કામગીરીને લઈને પણ અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.તેમાં બેંકના નાણાકીય રેકોર્ડ્સ અને એકાઉન્ટિંગમાં હેરફેર, માઇક્રોફાઇનાન્સ લોનની એવરગ્રીનિંગ,ઇન્ટરનલ ઓડિટમાં સામે આવેલી ખામીઓને દબાવવાનો પ્રયાસ તેમજ કથિત અનિયમિતતાઓને છુપાવવાના આક્ષેપો સામેલ છે.વિસલબ્લોઅરે એવો પણ આરોપ લગાવ્યો છે કે બેંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડના સભ્યોએ આ સમગ્ર મામલે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંકે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.બેંકે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વિસલબ્લોઅર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સ્વીકાર્ય નથી.બેંકના જણાવ્યા અનુસાર તમામ ફરિયાદોની આંતરિક રીતે વિગતવાર તપાસ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી નિયમો તથા બેંકની નીતિઓ અનુસાર કરવામાં આવી છે.બેંકે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક મુદ્દાઓની જાણ તેણે સ્વયં સંબંધિત સત્તાધિકારીઓને કરી હતી. હાલમાં મામલો સમીક્ષા હેઠળ હોવાથી બેંકે વધુ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે 2000 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ગડબડીના વિવાદ વચ્ચે આવેલી આ નવી ફરિયાદ બાદ RBI અને અન્ય નિયામક એજન્સીઓ ઇન્ડસઇન્ડ બેંક પર પોતાની દેખરેખ વધુ કડક બનાવી શકે છે.જો તપાસ દરમિયાન આક્ષેપોમાં કોઈ તથ્ય સામે આવશે તો બેંક અને તેના વરિષ્ઠ અધિકારીઓ સામે વધુ વ્યાપક કાનૂની કાર્યવાહી શરૂ થઈ શકે છે.


