અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાના નિયામક જ્હોન રેટક્લિફે મંગળવારે રશિયાની રાજધાની મોસ્કોની ગુપ્ત મુલાકાત લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.આ મુલાકાતનો સત્તાવાર હેતુ જાહેર કરવામાં આવ્યો નથી.રેટક્લિફની અચાનક મોસ્કો મુલાકાતને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી તથા સુરક્ષા સંબંધિત ચર્ચાઓ અંગે અટકળો તેજ બની છે.અહેવાલો અનુસાર, રેટક્લિફ અમેરિકાથી વિશેષ વિમાન મારફતે મોસ્કો પહોંચ્યા હતા.તેઓ થોડા કલાકો સુધી મોસ્કોમાં રોકાયા બાદ અમેરિકા પરત ફર્યા હતા.તેમની મુલાકાતને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી,પરંતુ બાદમાં પ્રવાસની વિગતો જાહેર થઈ હતી.
રેટક્લિફની મુલાકાત અંગે અમેરિકી સરકાર અથવા સી.આઈ.એ. તરફથી સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી.રશિયન રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ રેટક્લિફની મુલાકાત અંગે તેમને કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.મુલાકાતનો હેતુ સ્પષ્ટ ન હોવાથી વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે.ખાસ કરીને ઈરાન અને મધ્યપૂર્વની પરિસ્થિતિ,અમેરિકા-રશિયા સંબંધો અને યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
રેટક્લિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અધિકારીઓમાં ગણાય છે.ગુપ્તચર અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.આ કારણોસર તેમની મોસ્કોની અચાનક મુલાકાતને સામાન્ય રાજદ્વારી પ્રવાસ કરતાં વધુ મહત્વની માનવામાં આવે છે.જોકે, મુલાકાત દરમિયાન કોની સાથે બેઠક થઈ અને કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
યુક્રેન અને ઈરાન મુદ્દે પણ અટકળો
રેટક્લિફની મોસ્કો મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સંપર્કો અંગે ચર્ચા ચાલી રહી છે. સાથે જ ઈરાન સંબંધિત પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનો મુદ્દો છે.તેથી રેટક્લિફની મુલાકાતનો સંબંધ યુક્રેન, ઈરાન અથવા અમેરિકા-રશિયા વચ્ચેના અન્ય સુરક્ષા મુદ્દા સાથે છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. મોસ્કોમાં રેટક્લિફની મુલાકાત અને ત્યાં થયેલી સંભવિત બેઠકો અંગે અમેરિકા કે રશિયા તરફથી વધુ વિગતો જાહેર થાય ત્યાર બાદ સમગ્ર ઘટનાની તસવીર સ્પષ્ટ થઈ શકે છે.


