- મુંબઈમાં અટકાયત બાદ રાજકીય ચર્ચા તેજ; વિદેશી નાગરિક તરીકે વિરોધમાં જોડાવા માટે કાયદેસરની મંજૂરી લીધી હતી કે નહીં તેની તપાસ કરવા પોલીસને પત્ર
અભિનેતા ઇમરાન ખાન મુંબઈમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે.ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને પત્ર લખીને અભિનેતાની પ્રદર્શન દરમિયાનની ભૂમિકા અને જરૂરી કાયદેસરની મંજૂરી અંગે તપાસ કરવાની માગ કરી છે.સાથે જ તેમણે ઇમરાન ખાનને દેશમાંથી દેશનિકાલ કરવાની માગ પણ કરી છે.મળતી માહિતી મુજબ, સોમૈયાએ ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ મુંબઈ પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર મોકલ્યો હતો.તેમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે વિદેશી નાગરિક ગણાતા ઇમરાન ખાને રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જરૂરી મંજૂરી મેળવી હતી કે નહીં.
દક્ષિણ મુંબઈમાં વિરોધ દરમિયાન અટકાયત
શનિવારે દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં નાના ચોક જંકશન નજીક પોલીસે ઇમરાન ખાન સહિત અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ પ્રદર્શન નવી દિલ્હીમાં ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા યોજાયેલા વિરોધના સમર્થનમાં કરવામાં આવ્યું હતું.અટકાયત દરમિયાન ઇમરાન ખાને પોતાની હાજરીનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે તેઓ કોઈ માગણી સાથે નહીં,પરંતુ શહેરમાં રહેતી વ્યક્તિ અને નાગરિક તરીકે ત્યાં પહોંચ્યા હતા.અવરજવરની સ્વતંત્રતા પર નિયંત્રણો શા માટે મૂકવામાં આવે છે અને લોકોના અવાજને શા માટે દબાવવામાં આવે છે, તે જાણવા માટે તેઓ પ્રદર્શનમાં હાજર રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સોમૈયાએ સોશિયલ મીડિયા પર પણ ઉઠાવ્યા સવાલ
કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પરની પોસ્ટમાં પણ ઇમરાન ખાનની ભાગીદારી અંગે સવાલો ઉઠાવ્યા હતા.તેમણે પૂછ્યું હતું કે જરૂરી સત્તાવાર મંજૂરી વિના કોઈ વિદેશી નાગરિક રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકે કે નહીં.આ પોસ્ટમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના સત્તાવાર ખાતાને પણ ટૅગ કર્યા હતા.સોમૈયાની માગ છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે.
ઑગસ્ટ ક્રાંતિ મેદાન આસપાસ ચુસ્ત બંદોબસ્ત
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઑગસ્ટ ક્રાંતિ મેદાન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી હતી.મેદાન તરફ જતા માર્ગો બંધ કરી બૅરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા.ગામદેવી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ અધિકારીઓ અને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.વિસ્તારમાંથી પસાર થતા કેટલાક સ્થાનિકોને પણ રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.આ વ્યવસ્થાને લઈને અમુક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.અટકાયત કરાયેલા લોકોને લઈ જવા માટે વધારાની પોલીસ વાન પણ બોલાવવામાં આવી હતી.ઇમરાન ખાનની અટકાયત, વિરોધ પ્રદર્શનમાં તેમની હાજરી અને કિરીટ સોમૈયાની દેશનિકાલની માગને પગલે આ મામલો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો


