અમેરિકાની ડેમોક્રેટિક સાંસદ ઇલ્હાન ઓમરના નિવાસસ્થાને ફેડરલ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યાના અહેવાલો બાદ અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ તપાસમાં પોતાની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે,જ્યારે ડેમોક્રેટિક નેતાઓએ મધ્યસત્ર ચૂંટણી પહેલાં રાજકીય વિરોધીઓને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.ઓમરે કોઈપણ ગેરરીતિ કરી હોવાનો ઇનકાર કર્યો છે.અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સના અધિકારીઓએ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા શોધ વોરંટના આધારે ઓમરના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહી ચાલુ ફેડરલ ફોજદારી તપાસનો ભાગ હોવાનું જણાવાયું છે.
અહેવાલ મુજબ, તપાસ ઓમરના બાળપણના ઇમિગ્રેશન દસ્તાવેજો અને તેમના પરિવારના અમેરિકામાં આગમન સમયે રજૂ કરાયેલા રેકોર્ડ સાથે સંબંધિત હોઈ શકે છે.ઓમરની કચેરીએ આ કાર્યવાહીને સરકારી સત્તાના દુરુપયોગ સાથે સાંકળીને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.વ્હાઇટ હાઉસ છોડીને ઓહિયો જતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મામલો ન્યાય વિભાગની તપાસ હેઠળ છે અને તેની સાથે તેમને કોઈ સંબંધ નથી.જોકે, તેમણે ઓમર પર આકરા પ્રહાર કરતાં તેમને અપ્રમાણિક ગણાવ્યાં હતાં.ઓમરના સોમાલિયન મૂળ અને અમેરિકાના બંધારણ અંગેના તેમના વલણને લઈને પણ ટ્રમ્પે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.
ડેમોક્રેટિક નેતાઓએ તપાસના સમયને લઈને સવાલો ઉઠાવ્યા છે.તેમના મતે મધ્યસત્ર ચૂંટણી પહેલાં રાજકીય વિરોધીઓ સામે સરકારી તપાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ઇલ્હાન ઓમર ભારત સરકારની નીતિઓ, કાશ્મીર અને માનવાધિકારના મુદ્દાઓ પર કરેલી ટિપ્પણીઓને કારણે પણ ભારતમાં લાંબા સમયથી વિવાદમાં રહ્યાં છે.જૂન 2022માં તેમણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની મુલાકાત લીધી હતી.તેમની આ મુલાકાત અને કાશ્મીર અંગેના વલણની ભારતમાં ટીકા થઈ હતી.ભારતની નીતિઓ અંગેના તેમના નિવેદનોને કારણે અનેક ભારતીય રાજકીય વર્તુળોમાં તેમને ભારતવિરોધી વલણ ધરાવતાં સાંસદ તરીકે જોવામાં આવે છે.તપાસમાં શું બહાર આવે છે અને સત્તાવાળાઓ આગળ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેના પર હવે નજર રહેશે.


