મધ્યપૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે યમનમાં હુથી વિદ્રોહીઓ અને સરકારી દળો વચ્ચેની અથડામણો વધુ ઉગ્ર બની છે.સાઉદી અરેબિયાના સમર્થનથી યમનની સરકારી સેનાએ હુથી વિદ્રોહીઓ સામે લશ્કરી કાર્યવાહી તેજ કરી છે. યમનની સરકારી સેનાએ દાવો કર્યો છે કે ‘ઓપરેશન ડૉન ઑફ યમન’ હેઠળ અત્યાર સુધીમાં 1,879 લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આશરે 950 હુથી લડાકા માર્યા ગયા છે અને તેમના 380 જેટલાં સૈન્ય વાહનોનો નાશ કરવામાં આવ્યો છે.આ આંકડા યમનની સરકારી સેનાએ જાહેર કર્યા છે.યમનમાં વધી રહેલા સંઘર્ષની અસર સામાન્ય નાગરિકો પર પણ પડી રહી છે.હુથી વિદ્રોહીઓએ સરકારી દળોને નિશાન બનાવીને તાઈઝ શહેરમાં હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં પાંચ વર્ષના બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.નાગરિકોની જાનહાનિએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વધારી છે.લશ્કરી કાર્યવાહી અને વળતા હુમલાઓને કારણે સ્થાનિક લોકો માટે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે.
યમનની સરકારી સેનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન ડૉન ઑફ યમન’ની શરૂઆત 5 ઑક્ટોબરે પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલના વડા રશાદ અલ-અલીમી દ્વારા કરવામાં આવી હતી.આ અભિયાનનો હેતુ હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારો ફરી સરકારી કબજામાં લેવા અને તેમની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે.અભિયાન દરમિયાન અનેક સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.સૈન્ય વાહનોને નિશાન બનાવવાની સાથે વિદ્રોહીઓની હિલચાલ અને લશ્કરી માળખાને નબળાં પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું ગઠબંધન પણ આ સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.ગઠબંધનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ તુર્કી અલ-માલિકીએ યમનની રાજધાની સનામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે.સના પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. ગઠબંધન દ્વારા પશ્ચિમ સનામાં આવેલી સરકારી તેલ કંપનીની સુવિધા અને તેની આસપાસના સંગ્રહ વિસ્તારો ખાલી કરવા માટે ચેતવણી આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.તેલ સંબંધિત માળખાંને લઈને આપવામાં આવેલી આ ચેતવણીને કારણે સનામાં સંભવિત હવાઈ હુમલાની આશંકા વધી છે.આ પહેલાં પણ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલી તેલ સુવિધા પર હવાઈ હુમલા થયાના અહેવાલ સામે આવ્યા હતા.તેલ સંગ્રહ કેન્દ્રો અને અન્ય ઊર્જા માળખાંને નિશાન બનાવવામાં આવે તો તેની અસર માત્ર સૈન્ય કામગીરી પૂરતી મર્યાદિત રહેતી નથી.સ્થનિક પુરવઠા,પરિવહન અને નાગરિકોની રોજિંદી જરૂરિયાતો પર પણ તેની અસર પડી શકે છે.
ગઠબંધનની ચેતવણી સામે હુથી વિદ્રોહીઓએ કડક પ્રતિક્રિયા આપી છે.હુથી લશ્કરી પ્રવક્તા જનરલ યાહ્યા સરીએ ચેતવણી આપી છે કે સના અથવા યમનના અન્ય વિસ્તારો પર હુમલા કરવામાં આવશે તો સાઉદી અરેબિયાની રાજધાની રિયાધને નિશાન બનાવીને જવાબ આપવામાં આવશે.હુથી પક્ષે સાઉદી અરામકોની તેલ સુવિધાઓને પણ સંભવિત નિશાન તરીકે દર્શાવી છે.આ ધમકીને કારણે સાઉદી અરેબિયાના ઊર્જા માળખાં અને મહત્ત્વપૂર્ણ શહેરોની સુરક્ષા અંગે ચિંતા વધી છે.દરમિયાન સાઉદી ગઠબંધને દાવો કર્યો છે કે રિયાધના ઉત્તર ભાગમાં ત્રણ શંકાસ્પદ ડ્રોનને હવામાં જ અટકાવીને નષ્ટ કરવામાં આવ્યાં હતાં.ગઠબંધનના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીથી સંભવિત નુકસાન ટાળી શકાયું હતું. સાઉદી અરેબિયા માટે ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો ગંભીર સુરક્ષા પડકાર છે,ખાસ કરીને જ્યારે દેશનાં તેલ ઉત્પાદન, શુદ્ધિકરણ અને નિકાસ સાથે જોડાયેલાં કેન્દ્રો જોખમ હેઠળ આવવાની શક્યતા હોય.
યમનમાં ચાલી રહેલો સંઘર્ષ 2014માં હુથી વિદ્રોહીઓએ રાજધાની સના પર કબજો મેળવ્યા બાદ વધુ ગંભીર બન્યો હતો.ત્યારથી યમનની સરકાર અને હુથી જૂથ વચ્ચે સત્તા તથા પ્રદેશના નિયંત્રણને લઈને લાંબો સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયાએ યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપ્યું છે, જ્યારે હુથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન મળતું રહ્યું છે. આ કારણે યમનનો આંતરિક સંઘર્ષ પ્રાદેશિક રાજકીય અને સૈન્ય સ્પર્ધા સાથે પણ જોડાયેલો છે.હાલની પરિસ્થિતિમાં યમનની સરકારી સેના અને સાઉદી સમર્થિત ગઠબંધનની કાર્યવાહીથી સંઘર્ષ વધુ વિસ્તરવાની આશંકા ઊભી થઈ છે.હુથી વિદ્રોહીઓ તરફથી રિયાધ અને અરામકોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે,જ્યારે ગઠબંધન સનામાં કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે.બંને પક્ષોની વધતી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે નાગરિકોની સુરક્ષા,તેલ સુવિધાઓનું રક્ષણ અને સંઘર્ષને વધુ વિસ્તરતો અટકાવવો મધ્યપૂર્વ માટે મહત્ત્વના પડકાર બની રહ્યા છે.


