ગુજરાત હાઈકોર્ટે વક્ફ મિલકતોના વહીવટને લગતા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફ ટ્રિબ્યુનલ પોતાની ન્યાયિક સત્તાઓની મર્યાદામાં રહીને જ કામ કરી શકે છે.વક્ફ બોર્ડની વહીવટી અને નિરીક્ષણ સંબંધિત સત્તાઓનો ઉપયોગ ટ્રિબ્યુનલ કરી શકે નહીં.પોરબંદરની સૂર્યવાડ મેમણ જમાત વક્ફ સાથે જોડાયેલા વિવાદમાં હાઈકોર્ટે ટ્રિબ્યુનલ દ્વારા ચૂંટણી અધિકારીને લગતા આપવામાં આવેલા આદેશને રદ કર્યો છે.સાથે જ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને સમગ્ર મામલે કાયદા મુજબ તપાસ કરીને ત્રણ મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ કેસમાં પોરબંદરની સૂર્યવાડ મેમણ જમાત વક્ફમાં વર્ષ 1996થી ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઈ ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.લાંબા સમયથી ચૂંટણી ન યોજાતાં વહીવટી વ્યવસ્થા અને ટ્રસ્ટીઓની પસંદગી અંગે વિવાદ ઊભો થયો હતો.આ મામલે વક્ફ ટ્રિબ્યુનલ ગાંધીનગર દ્વારા ચૂંટણી અધિકારીને લગતો આદેશ આપવામાં આવ્યો હતો.હાઈકોર્ટે આ આદેશની કાયદેસરતા અને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રની તપાસ કરતાં તેને સત્તાની મર્યાદા બહારનો ગણાવ્યો હતો.
જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે વક્ફ ટ્રિબ્યુનલનું મુખ્ય કાર્ય વક્ફ સંબંધિત કાયદાકીય વિવાદોનો ન્યાયિક નિર્ણય કરવાનું છે.વક્ફ બોર્ડને સોંપવામાં આવેલી વહીવટી જવાબદારીઓ ટ્રિબ્યુનલ પોતાની પાસે લઈ શકે નહીં. કોઈ વૈધાનિક બોર્ડ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય અથવા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે, તો પણ તેના આધારે ટ્રિબ્યુનલને કાયદામાં ન અપાયેલી સત્તા વાપરવાનો અધિકાર મળતો નથી.આ કેસમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની લાંબા સમયની નિષ્ક્રિયતા અંગે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.જોકે, બોર્ડની કામગીરી સામે સવાલો ઊભા થયા હોવા છતાં વહીવટી સત્તાઓનો ઉપયોગ કાયદામાં નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જ થવો જોઈએ તે બાબત પર કોર્ટે ભાર મૂક્યો હતો.હાઈકોર્ટે અગાઉના કેટલાક નિર્દેશો અંગે પણ સ્પષ્ટતા કરી હતી.વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા વક્ફ મિલકતો અને દસ્તાવેજોનો ભૌતિક કબજો લેવા તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા જેવા આદેશો આપવામાં આવ્યા હતા.હાઈકોર્ટના મતે, વક્ફ મિલકતોનું રક્ષણ કરવાના સારા આશયથી આદેશ આપવામાં આવ્યા હોય તો પણ કાયદા દ્વારા સોંપવામાં ન આવેલી સત્તાનો ઉપયોગ યોગ્ય ઠરી શકે નહીં.સત્તાનો ઉપયોગ કાયદાની મર્યાદામાં રહીને જ થવો જોઈએ.
હાઈકોર્ટે આ સમગ્ર વિવાદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને પરત સોંપ્યો છે.વક્ફ અધિનિયમ, 1995 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને બોર્ડે તમામ ફરિયાદોની કાયદેસર તપાસ કરવાની રહેશે.આ પ્રક્રિયામાં સંબંધિત અને અસરગ્રસ્ત પક્ષકારોને સાંભળ્યા બાદ ત્રણ મહિનાની અંદર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ચુકાદાથી વક્ફ ટ્રિબ્યુનલ અને વક્ફ બોર્ડની સત્તાઓ વચ્ચેની કાયદાકીય મર્યાદા ફરી સ્પષ્ટ થઈ છે.ટ્રિબ્યુનલ ન્યાયિક વિવાદોનો ઉકેલ લાવી શકે છે, પરંતુ વહીવટી નિર્ણયો અને દેખરેખની જવાબદારી કાયદા હેઠળ જે સંસ્થાને સોંપવામાં આવી છે તે સંસ્થાએ જ નિભાવવાની રહેશે.


