ઇઝરાયલે હવાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદેશી ઍરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા હોવાના અહેવાલો વચ્ચે ઍર ફ્રાન્સ અને ચેક રિપબ્લિકની ઍરલાઇન સ્માર્ટવિંગ્સે પોતાના ફ્લાઇટ ક્રૂ અંગે પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે.અહેવાલ મુજબ, ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોની નાગરિકતા ધરાવતા પાઇલટ અને કેબિન ક્રૂના ઇઝરાયલ જતી ફ્લાઇટ્સમાં કામ કરવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.આ યાદીમાં પાકિસ્તાન,ઈરાન,સાઉદી અરેબિયા,અલ્જીરિયા,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ,ઇન્ડોનેશિયા,ઇરાક,કુવૈત,ઓમાન,કતાર,સીરિયા અને યમન સહિતના દેશોનો સમાવેશ થાય છે.આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા અને કર્મચારીઓ સાથેના વ્યવહાર અંગે ચર્ચા ઊભી થઈ છે.ખાસ કરીને કોઈ કર્મચારીની નાગરિકતાના આધારે તેને ચોક્કસ રૂટ પર કામ કરતા અટકાવવું કેટલું કાયદેસર છે તે મુદ્દો મહત્ત્વનો બન્યો છે.નવા પ્રતિબંધો પાછળ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી ગંભીર ઘટના મુખ્ય કારણ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ ફ્લાઇટમાં ઓમાની સહ-પાઇલટ હમામ અલ-હમ્મામી પર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરવાનો અને વિમાન પર કબજો મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.આ હુમલાને કારણે વિમાન અચાનક નીચે તરફ ધસી ગયું હતું.કોકપિટમાં બનેલી ઘટનાની જાણ થતાં મુસાફરો અને અન્ય ક્રૂ-મેમ્બર્સે દરમિયાનગીરી કરી હતી.ત્યારબાદ વિમાનનું સાઉદી અરેબિયાના તાબુકમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.વિમાનમાં 170થી વધુ લોકો સવાર હતા.કેપ્ટન સ્મિત મચ્છરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ઘટના બાદ ઇઝરાયલે પોતાની ઉડ્ડયન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી હતી.વિમાનના ક્રૂની નાગરિકતા અને તેમની પૃષ્ઠભૂમિની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે પણ સવાલો ઊભા થયા હતા.અહેવાલ અનુસાર, ઇઝરાયલી અધિકારીઓ પાસે ફ્લાઇટના ક્રૂની વિગતો અગાઉથી હોવા છતાં સહ-પાઇલટને રોકવામાં આવ્યો નહોતો.
31 દેશોના ક્રૂ પર નિયંત્રણનો વિવાદ
ઇઝરાયલના નવા નિર્દેશમાં એવા દેશોના નાગરિકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,જેમની સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધો નથી. આ નિયમોમાં બેવડી નાગરિકતા ધરાવતા કર્મચારીઓનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.ઍર ફ્રાન્સ અને સ્માર્ટવિંગ્સ ઉપરાંત યુનાઇટેડ ઍરલાઇન્સે પણ સંબંધિત પ્રતિબંધોનું પાલન કરવા પગલાં લીધાં હોવાના અહેવાલ છે.આમ, ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના પછી ઇઝરાયલે ઉડ્ડયન સુરક્ષાના નિયમો કડક કર્યા છે અને આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સે પોતાના ક્રૂની નિમણૂકમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે.આ પગલાંથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે,પરંતુ તેની સાથે વિદેશી કર્મચારીઓના અધિકારો અને નાગરિકતાના આધારે લાગુ પડતા પ્રતિબંધો અંગેનો વિવાદ પણ વધુ ઘેરો બન્યો છે.ઇઝરાયલના પરિવહન અને માર્ગ સુરક્ષા મંત્રાલયોએ ૧ ઑક્ટોબરના રોજ તમામ વિદેશી ઍરલાઇન્સને નિર્દેશો જાહેર કર્યા હતા.આ નવા નિયમો અનુસાર, ઇઝરાયલની હવાઈ સીમામાં ઉડતા વિમાનમાં પાઇલોટ- ક્રૂ સભ્યો પાસે એવા દેશોની નાગરિકતા ન હોવી જોઈએ જેની ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી.આ પ્રતિબંધમાં કુલ ૩૧ દેશોનો સમાવેશ થાય છે જેમાં મુખ્યત્વે પાકિસ્તાન,ઈરાન,સાઉદી અરેબિયા,અલ્જેરિયા,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ,ઈન્ડોનેશિયા,ઈરાક,કુવૈત,ઓમાન,કતાર,સીરિયા અને યમન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો સમાવેશ થાય છે.ઍર ફ્રાન્સ અને સ્માર્ટવિંગ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સે ઇઝરાયલના આ નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવાની પુષ્ટિ કરી છે.ઍર ફ્રાન્સે તેના કર્મચારીઓને ચેતવણી આપી છે કે આ આદેશનું પાલન ન કરવાથી સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.


