મુંબઈમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે બે દિવસ સુધી વિશેષ ઝુંબેશ ચલાવીને મોટી કાર્યવાહી કરી છે.આ ઑપરેશન દરમિયાન ₹15.87 કરોડની કિંમતના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે લાંબા સમયથી ફરાર 21 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.પોલીસે અલગ-અલગ કિસ્સાઓમાં કુલ 72 ગુના નોંધ્યા છે અને 40 વ્યક્તિઓ સામે અગાઉથી જારી થયેલા બિનજામીનપાત્ર વૉરન્ટની બજવણી કરી છે.બુધવાર અને ગુરુવારે હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશનો હેતુ મુંબઈમાં ડ્રગ્સના ગેરકાયદે વેચાણ અને વિતરણ પર અંકુશ મૂકવાનો હતો.શહેરમાં 30 જુલાઈથી શરૂ કરાયેલા ‘ડ્રગ-ફ્રી મુંબઈ’ અભિયાન અને કેન્દ્ર સરકારના ‘નશામુક્ત ભારત અભિયાન’ના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની વિવિધ ટીમોએ શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા શંકાસ્પદ સ્થળો પર તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 46.16 કિલોગ્રામ પ્રતિબંધિત નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા.આ ઉપરાંત કોડીન આધારિત કફ સિરપની 9,540 બૉટલો પણ કબજે કરવામાં આવી હતી.જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કુલ કિંમત ₹15.87 કરોડ આંકવામાં આવી છે.આરોપીઓ પાસેથી ₹9.47 લાખ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા આરોપીઓને પકડવા ઉપરાંત લાંબા સમયથી ફરાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી હતી.વિવિધ કેસોમાં વૉન્ટેડ રહેલા 21 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.આ સાથે અગાઉથી બાકી રહેલા 40 બિનજામીનપાત્ર વૉરન્ટની બજવણી કરવામાં આવી હતી.બે દિવસમાં નોંધાયેલા 72 ગુના નશીલા પદાર્થોના વેપાર સામેની કાર્યવાહીની વ્યાપકતા દર્શાવે છે.મુંબઈમાં ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લેવાતાં સ્થળો સામે પણ તંત્રએ કડક પગલાં લીધાં હતાં.નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) કાયદા હેઠળના કેસોમાં સંડોવાયેલા ગુનેગારો સાથે સંબંધિત હોવાનું સામે આવેલા 145 ગેરકાયદે પાનના ગલ્લા અને 20 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.આ કાર્યવાહીનો હેતુ નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણ માટે ઉપયોગમાં લેવાતા અડ્ડાઓને દૂર કરવાનો હતો.ડ્રગ્સ વિરોધી કાર્યવાહી સાથે પોલીસે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ વિશાળ અભિયાન ચલાવ્યું હતું.નવરાત્રિના કાર્યક્રમો, ગરબા પંડાલો,જાહેર સ્થળો અને શાળા-કૉલેજો સહિત કુલ 9,031 સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ અભિયાન દ્વારા અંદાજે 1,83,928 નાગરિકોને નશીલા પદાર્થોના સેવન અને તેના દૂષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.નશીલા પદાર્થોની લત યુવાનોના ભવિષ્ય, પરિવારના જીવન અને સમાજની સુરક્ષા માટે ગંભીર પડકાર બની રહી છે.મુંબઈમાં પોલીસની આ વિશેષ ઝુંબેશમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવા ઉપરાંત ફરાર આરોપીઓની ધરપકડ,વૉરન્ટની બજવણી અને ગેરકાયદે અડ્ડાઓ સામેની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની આ કામગીરી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની ઝુંબેશને વધુ વેગ આપનારી બની છે.


