મુંબઈ : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર પાંચ રાઉન્ડ ગોળીબારની ઘટના બાદ મહારાષ્ટ્રમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ગુનાહિત ગેંગના આકાઓ દેશ કે વિદેશમાં ગમે ત્યાં છુપાયેલા હશે, તેમને શોધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકાર્યાનો દાવો સામે આવ્યો છે.મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, જ્યારે ગુજરાત પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે.સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાને મુંબઈ પોલીસે ગંભીરતાથી લીધો છે.તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને હુમલામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.તેમણે કહ્યું કે ગુનાહિત નેટવર્ક ચલાવતા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અને કોઈ પણ ગેંગને છોડવામાં આવશે નહીં.ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ કેટલાક લોકો મહારાષ્ટ્રની બહારથી અથવા વિદેશમાંથી નેટવર્ક ચલાવી રહ્યા છે.રાજ્યની અંદરથી કામગીરી કરતા કેટલાક શંકાસ્પદોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે.હવે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને અને જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકારની મદદથી વિદેશમાં સક્રિય ગુનાહિત નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું કે ગુનેગારો ક્યાં છુપાયેલા છે તેનાથી કાયદાની કાર્યવાહી અટકવાની નથી.પોલીસ તેમની સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર પગલાં લેશે.તેમણે વિપક્ષ પર આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ટાઈગર શ્રોફ પરનો હુમલો રવિવારે રાત્રે થયો હતો.અભિનેતા ફૂટબોલ રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે મુંબઈના જુહુ વિસ્તારમાં તેમના વાહનને નિશાન બનાવીને બે અજાણ્યા હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.આ ઘટનામાં ટાઈગર શ્રોફના ડ્રાઇવરને ગોળી વાગતાં ઈજા થઈ હતી.હુમલા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી હતી.આ કેસમાં રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ ફોર્સ અને કોટા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક સગીર સહિત ત્રણ શંકાસ્પદોને કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા હતા.મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હુમલા પછી આશરે 15 કલાકમાં થયેલી આ ધરપકડ તપાસ માટે મહત્વપૂર્ણ બની છે.હવે તપાસ એજન્સીઓ હુમલાની યોજના, ગોળીબાર પાછળના હેતુ અને અન્ય સંભવિત સાગરીતોની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવી રહી છે.હુમલાખોરો કોના સંપર્કમાં હતા અને તેમને ક્યાંથી સૂચનાઓ મળી હતી તે જાણવા માટે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઘટનામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતાં મુંબઈ સહિત અન્ય રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.ગુજરાત પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી છે,જેથી ગેંગ સાથે સંકળાયેલી સંભવિત હિલચાલ પર નજર રાખી શકાય અને જરૂર પડ્યે અન્ય તપાસ એજન્સીઓ સાથે સંકલન સાધી શકાય.બોલિવૂડની હસ્તીઓને મળતી ધમકીઓ અને તેમના પર થતા હુમલાઓને પગલે કલાકારોની સુરક્ષા ફરી ચર્ચામાં આવી છે.ફડણવીસે ગેંગના આકાઓ સુધી પહોંચવાની અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.હવે પોલીસ તપાસમાં હુમલાના સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકો અંગે વધુ વિગતો બહાર આવવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.


