મુંબઈ : બોલીવુડ અભિનેતા આમિર ખાન રવિવારે પોતાની પત્ની ગૌરી સ્પ્રેટ સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ પહોંચ્યો હતો.દાદરના શિવાજી પાર્ક નજીક આવેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને થયેલી આ મુલાકાતને લઈને ચર્ચા શરૂ થઈ છે.આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાન સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી સાથે આ મુલાકાતને જોડવામાં આવી રહી છે.
અમેરિકન નાગરિક ઇમરાન ખાન મુંબઈમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયો છે. 10 ઑગસ્ટે મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતાં મુંબઈ પોલીસે તેની અટકાયત કરી હતી.ત્યાર બાદ ઇમરાન ખાનને ભારત છોડવા માટે 28 ઑક્ટોબર સુધીની સમયમર્યાદા આપતી નોટિસ મળી હતી.આ નોટિસને પડકારવા ઇમરાન ખાને શનિવારે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.આ ઉપરાંત વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (FRRO) તરફથી તેને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.તેમાં ઇમરાન ખાનનો ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI)નો દરજ્જો રદ કેમ ન કરવો જોઈએ તે અંગે જવાબ માગવામાં આવ્યો છે.ઇમરાન ખાનના કેસને કારણે આમિર ખાનની રાજ ઠાકરે સાથેની મુલાકાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.રાજકીય વર્તુળોમાં આ મુલાકાત પાછળ ઇમરાન ખાનના કાનૂની મુદ્દાની ચર્ચા થઈ હોવાની અટકળો છે.જોકે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક કાર્યકર્તાએ આ બંને બાબતો વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
મનસેના કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે, આમિર ખાન અને રાજ ઠાકરે વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો છે અને બંને વારંવાર મળતા રહે છે.તેથી આ મુલાકાતને ઇમરાન ખાનના કેસ સાથે જોડવી યોગ્ય નથી.આમિર ખાનની મુલાકાતનો ચોક્કસ હેતુ જાહેરમાં રજૂ કરવામાં આવ્યો નથી.ઇમરાન ખાન સામેની કાર્યવાહી અને તેની ભારત છોડવાની નોટિસને પડકારતી અરજીને કારણે આ મામલો હવે કાનૂની સ્તરે આગળ વધ્યો છે.બીજી તરફ આમિર ખાન અને રાજ ઠાકરેની મુલાકાતે મુંબઈના રાજકીય તથા ફિલ્મી વર્તુળોમાં ચર્ચા જગાવી છે.ઇમરાન ખાનના કેસમાં આગળ કાનૂની કાર્યવાહી કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર રહેશે.


