મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે બોલિવૂડ અભિનેતા આમિર ખાનને ફરી ધમકી આપી છે.ટાઈસન બિશ્નોઈ અને આરઝૂ બિશ્નોઈનાં નામે સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવતા એકાઉન્ટ્સ પરથી આમિર ખાનને નિશાન બનાવીને ધમકીભરી પોસ્ટ કરવામાં આવી છે.આ પોસ્ટમાં અભિનેતાના ત્રીજા લગ્ન અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આમિર ખાન જેવા લોકો દેશ અને સનાતન સંસ્કૃતિ વિરુદ્ધની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.પોસ્ટમાં ‘લવ જેહાદ’નો ઉલ્લેખ કરીને આવા કૃત્યો ચલાવી લેવામાં નહીં આવે તેવી ધમકી આપવામાં આવી છે.સ્ટારડમના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનારાઓને ટૂંક સમયમાં જવાબ આપવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.આ ધમકીભરી પોસ્ટને પગલે બોલિવૂડના જાણીતા કલાકારોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.આમિર ખાનને મળેલી ધમકી વચ્ચે મુંબઈ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોલિવૂડના અન્ય મોટા કલાકારોને લઈને પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીઓએ અગાઉ અમિતાભ બચ્ચન,આમિર ખાન,અક્ષય કુમાર અને સલમાન ખાનનાં ઘરોની રેકી કરી હતી.આ તપાસથી ગોળીબારની ઘટનાની પાછળની યોજના અને સંભવિત નિશાન અંગે અનેક સવાલો ઊભા થયા છે.તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મુંબઈમાં ઓટોરિક્ષા ચાલકોની મદદથી આ કલાકારોનાં નિવાસસ્થાનો અને આસપાસના વિસ્તારોની માહિતી એકત્ર કરી હતી.કલાકારોના ઘરોની સુરક્ષા વ્યવસ્થા અને આસપાસની સ્થિતિનો અભ્યાસ કરીને પ્રમાણમાં ઓછી સુરક્ષા ધરાવતા કલાકારોને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સામેલ હતું અને રેકી માટે કઈ રીતે મદદ મેળવવામાં આવી હતી તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
ટાઈગર શ્રોફની કાર પર 18 ઓક્ટોબરે થયેલા ગોળીબારની ઘટના પહેલાં આરોપીઓએ જુહુ વિસ્તારમાં આવેલા એક ફૂટબોલ ગ્રાઉન્ડની પણ રેકી કરી હતી.આ સ્થળની તપાસ બાદ ટાઈગર શ્રોફની કારને નિશાન બનાવવામાં આવી હતી.મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે ગોળીબારની ઘટના, કલાકારોનાં ઘરોની રેકી અને આમિર ખાનને આપવામાં આવેલી ધમકી વચ્ચે કોઈ કડી છે કે નહીં તે સહિતના વિવિધ પાસાંની તપાસ કરી રહી છે.બોલિવૂડના અગ્રણી કલાકારોને નિશાન બનાવવાની યોજના અને સોશિયલ મીડિયા મારફતે અપાતી ધમકીઓએ મુંબઈ પોલીસ માટે સુરક્ષાનો મુદ્દો વધુ ગંભીર બનાવ્યો છે.અમિતાભ બચ્ચન,આમિર ખાન,અક્ષય કુમાર અને સલમાન ખાનનાં ઘરોની રેકી કરવામાં આવી હોવાની વિગતોને પગલે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આરોપીઓએ કયા કલાકારને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું અને ટાઈગર શ્રોફની કાર પરના ગોળીબાર પાછળ ચોક્કસ કઈ યોજના હતી.


