સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ની ચર્ચા વચ્ચે હવે ‘માખી જનતા પાર્ટી’ (MJP) નામનું નવું ડિજિટલ સંગઠન સામે આવ્યું છે.દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ આ નામ ચર્ચામાં આવ્યું છે.સંગઠનનો દાવો છે કે માત્ર 72 કલાકમાં તેના ઇન્સ્ટાગ્રામ પેજને 3.3 લાખથી વધુ અનુયાયીઓ મળ્યા છે અને તેની પોસ્ટને 40 લાખથી વધુ વખત જોવામાં આવી છે.
MJPના નામ પાછળ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતની ટિપ્પણી છે. 9 ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં જાહેર પરિવહન પર વ્યાપક નિયંત્રણો લાદવાના મુદ્દે કોર્ટે વહીવટી તંત્રના નિર્ણય અંગે સવાલો ઉઠાવ્યા હતા. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરી શકાય નહીં.આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું અને તેના પરથી MJP નામનું પેજ શરૂ કરવામાં આવ્યું.સુપ્રીમ કોર્ટમાં જાહેર પરિવહન વ્યવસ્થા પર નિયંત્રણો અંગેની સુનાવણી દરમિયાન કોર્ટનું કહેવું હતું કે સુરક્ષાના કારણોસર વાહનવ્યવહારનું નિયમન કરી શકાય,પરંતુ આખી વ્યવસ્થા ઠપ કરી દેવી યોગ્ય નથી.આ ટિપ્પણીને આધારે MJPએ પોતાની ઓળખ ઊભી કરી છે.સંગઠનની પોસ્ટમાં જણાવાયું છે કે જ્યારે નાની સમસ્યાના ઉકેલ માટે અતિશય પગલાં ન લેવાની વાત કરવામાં આવે છે, ત્યારે સામાન્ય લોકોનો અવાજ પણ સાંભળવો જરૂરી છે.
MJPના ઇન્સ્ટાગ્રામ પેજ પર આર્યન નામના વિદ્યાર્થીને સ્થાપક તરીકે દર્શાવવામાં આવ્યો છે.પેજ દ્વારા સત્તાવાર પ્રવક્તાની શોધ કરવામાં આવી રહી હોવાની માહિતી પણ આપવામાં આવી છે.પેજની વિગતો અનુસાર, આ ઇન્સ્ટાગ્રામ ખાતું જૂન 2021માં બનાવવામાં આવ્યું હતું અને હાલનું નામ અપનાવતાં પહેલાં તેની ઓળખમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા.MJPએ ‘કોકરોચ જનતા પાર્ટી’ને પણ સમર્થન આપ્યું છે. CJPની જેમ MJP પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરી રહ્યું છે.બંને સંગઠનોની ચર્ચા યુવાનોમાં વહીવટી જવાબદારી,જાહેર નીતિઓ અને વિરોધ નોંધાવવાના અધિકાર જેવા મુદ્દાઓ સાથે જોડાઈ છે.
MJPએ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) સાથે જોડાયેલાં નેહા બોરાને પણ સમર્થન જાહેર કર્યું છે.નેહા બોરા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. MJPની પોસ્ટમાં તેમના સાહસ અને દૃઢતાને સમર્થન આપતાં લોકશાહીમાં સવાલો પૂછવા અને વહીવટીતંત્ર પાસે જવાબદારીની માગણી કરવી જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે.CJIની એક ટિપ્પણી પરથી શરૂ થયેલી MJPની ચર્ચા દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર જાહેર નિવેદનોને આધારે નવા ડિજિટલ જૂથો ઊભાં થઈ શકે છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ બાદ ‘માખી જનતા પાર્ટી’નું નામ સામે આવતાં ન્યાયિક ટિપ્પણીઓ,નાગરિક વિરોધ અને સોશિયલ મીડિયા પરની રાજકીય અભિવ્યક્તિ ફરી ચર્ચામાં આવી છે.


