વિવાદાસ્પદ અને અગાઉ વલસાડ ખાતે મહીલા છેડતી પ્રકરણમાં સંડોવાયેલા તાપી DEOએ 10 લાખ માંગ્યા : ACB ની ટ્રેપની શંકા જતા રકમ ન સ્વીકારી

409

બારડોલી : તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા માટે રૂ. 10 લાખની લાંચ માંગી હતી.પરંતુ એ.સી.બી.ની રેડની ગંધ આવી જતા લાંચ સ્વીકારી ન હતી.પોલીસે બંને વિરુદ્ધ લાંચની માગણીનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત એક શાળામાં તાપી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ મંગળભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન કેટલાક મુદ્દાઓ સામે આવતા તેની પુર્તતા કરવા માટે શાળાને નોટિસ ફાટકારી હતી.જે મુદ્દાઓની શાળા તરફથી પુર્તતા કરવામાં આવી હતી.તેમ છતાં અન્ય કેટલાક મુદ્દાઓને લઈ ફરીથી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી પટેલે નોટિસ મોકલી હતી.આથી શાળાના આચાર્યએ રૂબરૂ મુલાકાત કરી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પુર્તતા અંગે ખુલાસો કર્યો હતો.ત્યાર બાદ શિક્ષણાધિકારીએ નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા માટે રૂ. 10 લાખની લાંચની માગણી કરી હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે તાપી જિલ્લા એલ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.ફરિયાદને આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.છટકું દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારીએ લાંચની રકમ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ક્લાર્ક રવિન્દ્ર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને આપવા જણાવતા ફરિયાદી લાંચની રકમ લઈ રવિન્દ્રને આપવા ગયા હતા.પરંતુ રવિન્દ્રને એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હોવાની શંકા જતા તેણે લાંચ સ્વીકારી ન હતી.દરમ્યાન લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલા પુરાવાના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલે સામે લાંચની માંગણીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.કલાસ 1 અધિકારી દ્વારા રૂ.10 લાખની લાંચ માંગવાની ઘટનાને લઈ તાપી જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો હતો.

Share Now