અમદાવાદ : બાંધકામ ઉદ્યોગની વિવિધ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી 30 જૂનથી તમામ પ્રકારની રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોના ભાવમાં 20 ટકા વધારો કરવાની ફરજ પડશે તેવી ચેતવણી બિલ્ડર સંગઠનના હોદ્દેદારોએ આપી છે.તેમનું કહેવું છે કે આ નિર્ણયનો સીધો ફટકો મધ્યમ વર્ગને પડશે અને ઘર ખરીદવાનું સપનું વધુ મુશ્કેલ બની જશે.
બિલ્ડરોના જણાવ્યા અનુસાર દેશના કુલ અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપતા બાંધકામ ઉદ્યોગ પર હાલમાં ખર્ચનો ભારે બોજો આવી પડ્યો છે.અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ બાદ સ્ટીલ,એલ્યુમિનિયમ,સિમેન્ટ,કાચ અને અન્ય બાંધકામ સામગ્રીના ભાવમાં 20થી 40 ટકા સુધીનો વધારો થયો છે.પરિણામે અનેક ચાલુ પ્રોજેક્ટ આર્થિક રીતે વ્યવહારુ રહ્યા નથી અને તેમને આગળ ધપાવવામાં મુશ્કેલી પડી રહી છે.
સંગઠને સરકાર સમક્ષ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ચૂકવવામાં આવતા વેતન પર લાગતો 18 ટકા માલ અને સેવા કર ઘટાડીને 5 ટકા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવાની માગણી કરી છે.સાથે જ શ્રમિક કલ્યાણ માટે વસૂલવામાં આવેલા કરોડો રૂપિયાના ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.બિલ્ડરોએ ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં જમીન કપાતનો દર 40 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની માગણી કરી છે.તેમનું કહેવું છે કે નાના શહેરોમાં પણ કપાતનો દર વધારવાથી વિકાસકારો પર વધારાનો બોજો આવી રહ્યો છે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં અડચણો ઊભી થઈ રહી છે.સાથે જ વિકાસ યોજનાઓ જાહેર કરવામાં થતા વિલંબને દૂર કર,બાંધકામ માટે મળતી એફએસઆઈમાં વધારો કરવા અને મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવાની પણ માગણી કરવામાં આવી છે.બિલ્ડરોનું કહેવું છે કે જો સરકાર આ મુદ્દાઓ પર સકારાત્મક નિર્ણય લેશે તો મકાનના ભાવમાં વધારો અટકાવી શકાય અને મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું વધુ સુલભ બની શકે.
સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિતધારકોએ એકજૂથ થઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવી જરૂરી છે.સામૂહિક પ્રયાસોથી જ ઉદ્યોગ સામે ઊભા થયેલા પડકારોનો ઉકેલ શક્ય બનશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવી ગતિ મળશે.


