મહારાષ્ટ્રમાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ પાકિસ્તાન અને ગલ્ફ દેશોના સભ્યો ધરાવતા એક આંતરરાષ્ટ્રીય વૉટ્સઍપ ગ્રુપની પ્રવૃત્તિઓની તપાસ તેજ કરી છે.આ તપાસના ભાગરૂપે રાજ્યમાં પાંચ સ્થળે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.તપાસ એજન્સી ગ્રુપના સભ્યો, તેમની વચ્ચે થયેલી વાતચીત અને તેમના સંભવિત સંપર્કોની વિગતો એકત્રિત કરી રહી છે.આ ગ્રુપને પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે કોઈ સંબંધ છે કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વૉટ્સઍપ ગ્રુપમાં વિવિધ દેશોના લોકો સામેલ છે.તેમાં પાકિસ્તાન અને ગલ્ફ દેશોના સભ્યો ઉપરાંત ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા લોકો હોવાની માહિતી પણ તપાસકર્તાઓને મળી છે.ગ્રુપમાં ધાર્મિક વિષયો અંગે ચર્ચા થતી હોવાની વિગતોના આધારે એજન્સી તેની પ્રવૃત્તિઓ અને સભ્યો વચ્ચેના સંપર્કોની તપાસ કરી રહી છે.આ તપાસના ભાગરૂપે ATSએ સોમવારે રત્નાગિરિ જિલ્લાના રાજાપુરમાં રહેતાં અરબી ભાષાનાં એક શિક્ષિકા, તેમના પતિ અને પુત્રીની કલાકો સુધી પૂછપરછ કરી હતી.તપાસકર્તાઓએ ત્રણેયનાં મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા,જેથી તેની ફૉરેન્સિક તપાસ દ્વારા ગ્રુપ સાથે સંબંધિત માહિતી અને સંદેશાઓની વિગતો મેળવી શકાય. પૂછપરછ પૂર્ણ થયા બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
ATSની તપાસનો મુખ્ય હેતુ ગ્રુપની સભ્યપદની વિગતો, તેમાં થયેલી વાતચીત અને સભ્યો વચ્ચેના સંભવિત સંપર્કોની કડીઓ શોધવાનો છે.ખાસ કરીને ગ્રુપમાં સામેલ વ્યક્તિઓના સંબંધો અને તેમની પ્રવૃત્તિઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ માટે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની તપાસ પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંભવિત જોડાણની તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર ATSની તપાસ આગળ વધતાં આંતરરાષ્ટ્રીય વૉટ્સઍપ ગ્રુપની પ્રવૃત્તિઓ અને તેના સભ્યોના સંપર્કો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.હાલ એજન્સી ડિજિટલ પુરાવા અને પૂછપરછના આધારે આ ગ્રુપની વાસ્તવિક પ્રવૃત્તિઓ તથા સંભવિત કડીઓ શોધી રહી છે.


