અમૃતસરમાં થયેલી ગોળીબારની હત્યાના કેસમાં ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા પોલીસની એસઓજી ટીમે સંયુક્ત સંકલનથી વાપીમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.તપાસમાં આ ત્રણેય શખસો હત્યાના કેસમાં સંડોવાયેલા હોવાની અને ઘટનાને અંજામ આપતાં પહેલાં રેકી કરી હોવાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.ત્યારબાદ પંજાબ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને પંજાબ લઈ ગઈ હતી.
અમૃતસરમાં ગોળીબાર કરીને હત્યા
મળતી માહિતી મુજબ, અમૃતસરમાં લોરાહકા રોડ પર આવેલા કાર ધોવાના કેન્દ્ર નજીક ૩ ઑક્ટોબરના રોજ મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની બે અજાણ્યા શખસોએ ગોળી મારીને હત્યા કરી હતી.આ ગુનાના આરોપીઓ અંગે પંજાબની સીઆઈએ દ્વારા ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી આપવામાં આવી હતી.બાતમીના આધારે ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન હત્યા કેસમાં સંડોવણી હોવાની શંકા ધરાવતા તરનતારન જિલ્લાના ત્રણ શખ્શો હરસિમરનજિત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા,ફતેહ સિંહ અને અરમાન સિંહ વાપીમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી.તેઓ ત્યાંથી અન્ય સ્થળે નાસી છૂટવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની કાર્યવાહી
આરોપીઓ નાસી છૂટે તે પહેલાં ગુજરાત એટીએસે તેમના ઠેકાણા સહિતની મહત્ત્વપૂર્ણ માહિતી વલસાડ જિલ્લા પોલીસની એસઓજી ટીમ સાથે વહેંચી હતી.ત્યારબાદ એસઓજીની ટીમે વાપી વિસ્તારમાં કાર્યવાહી કરીને ત્રણેય શખસોને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓને ગુજરાત એટીએસની કચેરીએ લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન તેમણે હત્યાના કેસમાં પોતાની ભૂમિકા અને ઘટનાની અગાઉથી રેકી કરી હોવાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.
પંજાબ પોલીસને સોંપાયા ત્રણેય આરોપીઓ
આ કાર્યવાહી અંગે પંજાબ પોલીસને સત્તાવાર જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ ૧૦ ઑક્ટોબરના રોજ પંજાબ પોલીસની ટીમ ગુજરાત આવી હતી અને ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની તપાસ તથા કાનૂની કાર્યવાહી માટે તેમને પંજાબ લઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે, આ જ હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાવવામાં આવેલા પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને અગાઉ અમદાવાદમાં નાસી છૂટ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.હવે વાપીમાંથી ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ થતાં અમૃતસર હત્યા કેસની તપાસમાં વધુ મહત્ત્વની કડી સામે આવી છે.


