ગુજરાતમાં હાલ મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 13થી 14 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.એક તરફ કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, તો બીજી તરફ હવામાન વિભાગે સપ્તાહના અંતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.નવરાત્રિના નવમા નોરતે હવામાનમાં ફેરફાર થવાની શક્યતાને પગલે આ વિસ્તારોમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓએ હવામાન પર નજર રાખવી પડશે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે.ભુજ,ડીસા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે.દિવસ દરમિયાન ગરમી અને તાપમાનમાં વધઘટને કારણે રાજ્યમાં મિશ્ર હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે.સપ્તાહના અંતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વચ્ચે અન્ય વિસ્તારોમાં ગરમીની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.સ્થાનિક હવામાનની સ્થિતિ પ્રમાણે વરસાદની અસર અને તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.


