- પાલિકાની આખરી ચેતવણી : ગ્રાહકોને ભોજન બનતું હોય તે રસોડાની સ્વચ્છતા પડદા પર બતાવવી પડશે; 1,500 એકમોમાંથી માત્ર 10 ટકાએ જ શરૂ કરી વ્યવસ્થા
સુરત : હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.પાલિકાએ શહેરની હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું જીવંત પ્રસારણ ગ્રાહકોને દેખાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.જોકે અંદાજે 1,500 એકમોમાંથી 12 દિવસમાં માત્ર 10 ટકા એકમોએ જ આ વ્યવસ્થા શરૂ કરતાં પાલિકાએ હવે સાત દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે.પાલિકાની સૂચના મુજબ, હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી તેનું જીવંત પ્રસારણ ભોજન પીરસવાના વિસ્તારમાં મૂકેલી પડદા પર દર્શાવવાનું રહેશે.જેથી ગ્રાહકોને પોતાને પીરસવામાં આવતું ભોજન કઈ પરિસ્થિતિમાં અને કેટલી સ્વચ્છતાથી તૈયાર થાય છે તેની સીધી જાણકારી મળી શકે.
સાત દિવસમાં વ્યવસ્થા નહીં તો કાર્યવાહી
પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સાત દિવસમાં તમામ સંબંધિત એકમોએ સીસીટીવી અને તેના જીવંત પ્રસારણની વ્યવસ્થા ઊભી કરવી પડશે.નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ નિયમનું પાલન નહીં કરનાર હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવશે.ત્યારબાદ પણ સૂચનાનો અમલ નહીં થાય તો લાઇસન્સ રદ કરવા સુધીનાં કડક પગલાં લેવામાં આવી શકે છે.શહેરમાં અંદાજે 1,500 હોટેલ-રેસ્ટોરન્ટ હોવા છતાં શરૂઆતના 12 દિવસમાં માત્ર 10 ટકા એકમોમાં જ આ વ્યવસ્થા શરૂ થઈ છે.આ આંકડાને પગલે પાલિકાએ અમલવારી ઝડપી બનાવવા સંચાલકોને અંતિમ ચેતવણી આપી છે.હવે બાકી રહેલા એકમો સાત દિવસમાં વ્યવસ્થા શરૂ કરે છે કે નહીં તેના પર નજર રહેશે.
વાસી અને અખાદ્ય સામગ્રીના ઉપયોગની ફરિયાદો બાદ નિર્ણય
હોટેલ-રેસ્ટોરન્ટમાં વાસી અથવા અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો અને તેના સંબંધિત દૃશ્યો સામે આવ્યા બાદ ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે.ગ્રાહકોને પીરસવામાં આવતા ભોજનની તૈયારી દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે રસોડાની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કિચનનું જીવંત પ્રસારણ શરૂ થતાં ગ્રાહકો રસોડામાં સફાઈ જળવાય છે કે નહીં, ખાદ્ય સામગ્રી કેવી રીતે સંભાળવામાં આવે છે અને ભોજન બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં તે જોઈ શકશે.આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ માત્ર કેમેરા લગાવવાનો નથી,પરંતુ ખાદ્ય સુરક્ષા પ્રત્યે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોની જવાબદારી વધારવાનો છે.
સ્વચ્છતા,પાણી અને ખાદ્ય સામગ્રીની પણ તપાસ
પાલિકાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા,વપરાતા પાણીની સ્થિતિ અને રસોઈ બનાવતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા સહિતનાં પાસાંની તપાસ કરવામાં આવે છે.તપાસ દરમિયાન નિયમોનો ભંગ જણાય તો નોટિસ આપવા, દંડ વસૂલવા અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે છે.ખાદ્ય સુરક્ષા જાળવવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની જ નહીં, પરંતુ ખાદ્ય પદાર્થો તૈયાર કરીને વેચતા દરેક એકમની પણ છે.રસોડામાં યોગ્ય સફાઈ,ખાદ્ય સામગ્રીનો સુરક્ષિત સંગ્રહ, સ્વચ્છ પાણીનો ઉપયોગ અને કર્મચારીઓની સ્વચ્છતા જાળવવી જરૂરી છે.આ બાબતોમાં બેદરકારી ગ્રાહકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.
ગ્રાહકોની સુરક્ષા અને પારદર્શિતા પર ભાર
સીસીટીવીના જીવંત પ્રસારણથી ગ્રાહકોને ભોજન તૈયાર થવાની પ્રક્રિયા જોવાની તક મળશે અને સંચાલકો પર સ્વચ્છતા જાળવવાનું દબાણ વધશે.જોકે, માત્ર કેમેરા લગાવવાથી જ ખાદ્ય સુરક્ષાની ખાતરી થઈ શકતી નથી.રસોડામાં નિયમિત સફાઈ,ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું સતત પાલન પણ એટલું જ મહત્ત્વનું છે.હવે સુરત મહાનગરપાલિકાની સાત દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમોનું પાલન ન કરનાર એકમો સામે કેવાં પગલાં લેવાય છે તે મહત્ત્વનું રહેશે.પાલિકાની આ કાર્યવાહીથી હોટેલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં સ્વચ્છતા અને પારદર્શિતા વધે તેમજ ગ્રાહકોને સુરક્ષિત ભોજન મળી રહે તેવી અપેક્ષા છે.


