ઓડિશામાં રસગુલ્લા,છેના પોડા અને છેના ગાજા સહિતની પરંપરાગત મીઠાઈઓના ભાવમાં વધારો નોંધાયો છે.છેના,દૂધ,ખાંડ અને વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરના વધેલા ભાવને કારણે મીઠાઈ ઉત્પાદકોએ છૂટક વેચાણમાં પ્રતિ કિલોગ્રામ આશરે રૂ 25થી રૂ.30 સુધીનો વધારો કર્યો છે.ઉત્કલ મિષ્ટાન્ન વ્યવસાયી સમિતિના પ્રમુખ બિમ્બાધર બેહેરાના જણાવ્યા અનુસાર, છેનાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 220 સુધી પહોંચ્યો છે.છેલ્લા બે-ત્રણ મહિનામાં તેના ભાવમાં આશરે રૂ. 40નો વધારો થયો છે.છેના આધારિત મીઠાઈઓના ઉત્પાદન ખર્ચમાં આ વધારાની સીધી અસર જોવા મળી રહી છે.દક્ષિણ ભારતમાં પણ મીઠાઈના ભાવ વધ્યા છે.તામિલનાડુ હોટેલ્સ એસોસિયેશનના પ્રમુખ અને શ્રી અન્નપૂર્ણા શ્રી ગૌરીશંકર હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર ડી. શ્રીનિવાસનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની દિવાળીની સરખામણીએ આ વર્ષે મીઠાઈઓના ભાવમાં ઓછામાં ઓછો 15 ટકાનો વધારો થવાની શક્યતા છે.તેમના જણાવ્યા મુજબ, ખાંડ,તેલ,સૂકા મેવા,કરિયાણાની વસ્તુઓ અને શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.દિવાળીની નજીક માંગ વધતાં બજારમાં ભાવ પર વધુ દબાણ આવી શકે છે.ખાંડના ભાવમાં થયેલો વધારો પણ મીઠાઈ ઉદ્યોગ માટે મહત્ત્વનો મુદ્દો બન્યો છે.ઉદ્યોગ સાથે સંકળાયેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રની ખાંડ મિલોમાંથી મળતી ખાંડનો ભાવ અગાઉ પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ. 4,300 હતો, જે વધીને આ મહિને રૂ. 5,200થી રૂ. 5,300 સુધી પહોંચ્યો છે.એટલે કે ખાંડના ભાવમાં આશરે 20 ટકાનો વધારો થયો છે. મીઠાઈના મોટા જથ્થામાં ઉત્પાદન કરતા વેપારીઓ માટે આ વધારો ખર્ચમાં નોંધપાત્ર ફરક પેદા કરે છે.
ભાવવધારા વચ્ચે કેટલાક મીઠાઈના વેપારીઓ ગ્રાહકોને જાળવી રાખવા માટે જૂના ભાવ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આવા વેપારીઓને ઉત્પાદન ખર્ચ વધવા છતાં નફામાં ઘટાડો સ્વીકારવો પડે છે.નાના મીઠાઈ ઉત્પાદકો અને સ્થાનિક દુકાનદારો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે તેમણે કાચો માલ મોંઘો ખરીદવો પડે છે અને ગ્રાહકોને આકર્ષક ભાવ આપવાની સ્પર્ધાનો પણ સામનો કરવો પડે છે.તહેવારો દરમિયાન પરિવારો મીઠાઈની ખરીદી માટે અલગ બજેટ રાખતા હોય છે.ભાવમાં 10થી 15 ટકાનો વધારો થતાં એકસાથે મોટી માત્રામાં મીઠાઈ ખરીદતા ગ્રાહકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.ખાસ કરીને પરિવાર,મિત્રો,સગાંસંબંધીઓ અને વ્યવસાયિક સંપર્કોમાં મીઠાઈનાં બોક્સ ભેટ આપવાની પરંપરાને કારણે આ સમયગાળામાં ખરીદીનું પ્રમાણ વધે છે.આ વર્ષે તહેવારોની ખરીદીમાં મીઠાઈના વધેલા ભાવ ગ્રાહકોના બજેટને અસર કરી રહ્યા છે.દૂધ અને ખાંડ સહિતની સામગ્રીના ભાવમાં ઘટાડો નહીં થાય તો મીઠાઈના વેપારીઓ માટે ઉત્પાદન ખર્ચનું દબાણ યથાવત્ રહી શકે છે.તહેવારોની રોનક વચ્ચે ગ્રાહકોને મીઠાઈ ખરીદવા માટે અગાઉ કરતાં વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે.


