ઑસ્ટ્રેલિયાના ઍડિલેડમાં રસ્તા પર ઘૂંટણિયે બેસેલી 20 વર્ષીય પાકિસ્તાની યુવતી સમિયા મલિકને કારથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર એશ્ટન ફ્રેન્ડ જેલમાં જવાથી બચી ગયો છે.દક્ષિણ ઑસ્ટ્રેલિયાની અદાલતે તેને એક વર્ષ,ત્રણ મહિના અને 29 દિવસની કેદની સજા સંભળાવી હતી,પરંતુ આ સજા બે વર્ષના સારા વર્તનની શરત સાથે સ્થગિત રાખવામાં આવી છે.આ કેસમાં ડ્રાઇવરને આઠ મહિનાના બિન-પરોલ સમયગાળાની સજા પણ ફટકારવામાં આવી છે.સાથે જ તેના પર 10 વર્ષ સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઘટના 6 મે, 2025ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે ઍડિલેડના હિલક્રેસ્ટ વિસ્તારમાં આવેલા નોર્થ ઈસ્ટ રોડ પર બની હતી.સમિયા મલિક રસ્તાની વચ્ચે લગભગ ચાર મિનિટથી ઘૂંટણિયે બેઠી હતી.સીસીટીવી દૃશ્યોમાં તેના હાથ પ્રાર્થના કરતી હોય તેવી મુદ્રામાં જોવા મળ્યા હતા.આ દરમિયાન ગર્લફ્રેન્ડના ઘરેથી કારમાં પરત ફરી રહેલા એશ્ટન ફ્રેન્ડની કાર તેને ટક્કર મારી ગઈ હતી. ગંભીર અકસ્માતમાં સમિયાનું મોત થયું હતું.અકસ્મતા બાદ એશ્ટન ફ્રેન્ડ સ્થળ પર રોકાયો નહોતો અને ત્યાંથી નીકળી ગયો હતો.તેણે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોત નિપજાવવા અને અકસ્માત બાદ સ્થળ છોડવાના આરોપો કબૂલ કર્યા હતા.અદાલતમાં બચાવપક્ષના વકીલે જણાવ્યું હતું કે ફ્રેન્ડને રસ્તા પર કોઈ વ્યક્તિ હોવાનો ખ્યાલ આવ્યો નહોતો.ટક્કર બાદ અવાજ સાંભળીને તેને કોઈ પ્રાણી, કદાચ કાંગારુ સાથે અકસ્માત થયો હોવાનું લાગ્યું હતું.અદાલતમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે, અકસ્માત સમયે ફ્રેન્ડ દારૂ કે નશીલા પદાર્થોના પ્રભાવ હેઠળ નહોતો અને તે નિર્ધારિત ગતિમર્યાદા કરતાં વધુ ઝડપે કાર ચલાવતો નહોતો. જોકે, સમિયાને ટક્કર માર્યા બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં પોલીસે તપાસ કરીને તેની ઓળખ કરી હતી.
સજાની સુનાવણી દરમિયાન ફ્રેન્ડે સમિયાના પરિવારની માફી માગી હતી અને પોતાની ભૂલ બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.તેણે સ્વીકાર્યું હતું કે તેની હરકતોને કારણે પરિવારને ભારે દુઃખ સહન કરવું પડ્યું છે અને કોઈ માફી સમિયાને પાછી લાવી શકે તેમ નથી.સમિયાની બહેન કુદસિયા મલિકે અદાલતમાં રજૂ કરેલા નિવેદનમાં પરિવારના દુઃખની વાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે સમિયાની ખોટ પરિવારને રોજ અનુભવાય છે અને તેના વિના દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગ અધૂરો લાગે છે.ન્યાયાધીશ એન બાર્નેટે ડ્રાઇવરને સજા સંભળાવતી વખતે સીસીટીવી દૃશ્યો અને કેસની અન્ય વિગતો ધ્યાનમાં લીધી હતી.સમિયા તે રાત્રે રસ્તા પર શા માટે ઘૂંટણિયે બેઠી હતી તેનું ચોક્કસ કારણ અદાલતમાં સામે આવ્યું નહોતું.આ કેસમાં ડ્રાઇવરને જેલની સજા સ્થગિત મળતાં અને તેના પર લાંબા ગાળાનો વાહન ચલાવવાનો પ્રતિબંધ મૂકાતાં ઑસ્ટ્રેલિયામાં આ ચુકાદાની ચર્ચા થઈ રહી છે.


