– ઝડપાયેલા આરોપીઓમાં છ મહિલાઓ પણ સામેલ
– નવા વર્ષની ઈવેન્ટ્સમાં સપ્લાય માટે ડ્રગ્સનો જથ્થો રાખ્યો હતોઃ બાતમીના આધારે રો હાઉસમાં પોલીસની ટીમ ત્રાટકી
મુંબઈ : નવી મુંબઈમાં રોહાઉસમાં દરોડા પાડી પોલીસે રૂ.એક કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.આ મામલામાં 16 નાઈજિરિયનની ધરપકડ કરી છે. એમાં છ મહિલાનો સમાવેશ છે.એમ એક અધિકારીએ જણાવ્યું હતું.નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) અમિત કાલેએ કહ્યું હતું કે ‘નવા વર્ષની ઈવેન્ટ્સમાં સપ્લાય માટે કેટલાક આફ્રિકન લોકો રોહાઉસમાં ડ્રગ્સનો જથ્થો જમા કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી.જેના આધારે ગઈકાલે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસની કાર્યવાહી દરમિયાન ગાંજા,ચરસ,હેરોઈન,મેથાકવોલોન સહિત રૂ.એક કરોડ 70 હજાર રૂપિયાનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે 16 નાઈજીરિયન સામે કેસ નોંધી ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલની એક વિશેષ ટીમ આ કેસની તપાસ હાથ ધરવાની છે.આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા એની તપાસ થઈ રહી છે.