સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા રૂ.36 લાખના નાણાકીય એવોર્ડ આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ શહેરના 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવશે.દરેક પસંદગી પામેલા કર્મચારીને રૂ. 10,000નું પ્રોત્સાહન આપવામાં આવશે.
વર્ષ 2025-26 માટેની આ યોજના હેઠળ એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના 12 મહિનાના સમયગાળામાં કુલ 360 સફાઈ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.દરેક વોર્ડમાંથી દર મહિને એક કર્મચારીને પસંદ કરવાની જોગવાઈ મુજબ 30 વોર્ડ માટે વાર્ષિક કુલ રૂ. 36 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ નાણાકીય પ્રોત્સાહન કર્મચારીઓની કામગીરીને બિરદાવવા અને સ્વચ્છતા વ્યવસ્થામાં તેમનું યોગદાન વધારવાના હેતુથી આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા અને સ્વચ્છતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા નિર્મળ ગુજરાત 2.0 યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ યોજના હેઠળ મહાનગરપાલિકાઓમાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારની પસંદગી કરીને તેમને માસિક ધોરણે નાણાકીય પુરસ્કાર આપવાની જોગવાઈ છે.યોજનાની માર્ગદર્શિકા મુજબ, દરેક ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવાની જવાબદારી સંબંધિત નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા ઝોનલ ચીફને સોંપવામાં આવી છે.સુરત મહાનગરપાલિકામાં ઝોનલ ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીઓ દ્વારા નિર્ધારિત સમયગાળા માટે 30 વોર્ડમાંથી કુલ 360 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.પસંદગી પામેલા કર્મચારીઓને એવોર્ડની રકમ સીધી તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.આ માટે આરટીજીએસ અથવા અન્ય ઓનલાઇન ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરવાની જોગવાઈ દરખાસ્તમાં કરવામાં આવી છે.એવોર્ડની રકમ ચૂકવવા માટેની દરખાસ્ત હવે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.સમિતિની મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


