નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ~૫૩,૧૨૫ કરોડના રાઇટ્સ ઇશ્યૂ માટે ૧૪ મેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.મુકેશ અંબાણીની આગેવાની હેઠળની આ કંપનીએ ભારતના સૌથી મોટા રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી હતી.કંપની ૧:૧૫ના રાઇટ્સ ઇશ્યૂ મારફત આશરે ૫૩,૧૨૫ કરોડ એકત્ર કરવા માટે છે.આશરે ત્રણ દાયકામાં રિલાયન્સનો આવો પ્રથમ ઇશ્યૂ છે.કંપનીએ આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રચેલી રાઇટ્સ ઇશ્યૂ કમિટી દ્વારા તેની બેઠકમાં રાઇટ્સ ઇશ્યૂમાં રાઇટ્સના એન્ટાઇટલમેન્ટ મેળવવા માટે ઇક્વિટી શેરહોલ્ડર્સ નિર્ધારિત કરવા ૧૪ મે ૨૦૨૦ની રેકોર્ડ ડેટ નિર્ધારિત કરવામાં આવી છે.રાઇટ્સ ઇશ્યૂ ખૂલવાની અને બંધ થવાની તારીખ અંગે પછીથી માહિતી આપવામાં આવશે.કંપની તેના રાઇટ્સ ઇશ્યૂમાં ~ ૧,૨૫૭ના ભાવે શેર ઇશ્યૂ કરશે,જે ૩૦ એપ્રિલના બંધ ભાવ કરતાં આશરે ૧૪ ટકા ડિસ્કાઉન્ટ છે.કંપની તેના શેરહોલ્ડર્સને દરેક ૧૫ શેર સામે એક શેર ઇશ્યૂ કરશે.શુક્રવારે રિલાયન્સના શેરનો ભાવ વધીને ~૧૫૬૧.૮૦એ બંધ આવ્યો હતો.


