કોંગ્રેસીકરણ કર્યા પછી ભાજપ તેના સંગઠનમાં એવા મોટા ફેરફારો કરી રહ્યું છે કે જેનાથી વગદારોની જગ્યાએ કાબેલિયતને વધારે પસંદગી અપાશે. પાર્ટીએ સંગઠનમાં યુવાનોને આગળ આવવા માટે આમંત્રણ આપ્યું હોય તેમ હવે રાજ્યોમાં રચાનારા માળખામાં જિલ્લા અને તાલુકા પ્રમુખોની વયમર્યાદાને ધ્યાનમાં લેવાશે, એટલું જ નહીં નેતૃત્વની ગુણવત્તાને પહેલું સ્થાન મળશે.
ગુજરાત ભાજપના ટોચના નેતાએ કહ્યું હતું કે રાજ્યના પ્રદેશ પ્રમુખની વયમર્યાદા તો જોવાશે જ, પરંતુ તેની સાથે તેની કાબેલિયત તેમજ અનુભવને ધ્યાનમાં રાખીને ઉંમરમાં બાંધછોડ થઇ શકશે પરંતુ જિલ્લા અને તાલુકા પ્રમુખો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારોમાં યુવા ટીમને વધારે મહત્વ આપવામાં આવશે.
ગુજરાત ભાજપના પ્રમુખની વરણીનો મુદ્દો હાલ હાઇકમાન્ડ પાસે છે.નવા પ્રમુખ માટે વિલંબ થવાનું પણ એક કારણ સંગઠનનો ફેરફાર હોઇ શકે છે.પાર્ટીમાં હોદ્દા મેળવવા માટે લાગવગશાહી નહીં ચાલે પરંતુ હોદ્દો માંગનાર નેતાએ તેમની કાબેલિયત પુરવાર કરવી પડશે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે જિલ્લાના માળખાઓમાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પસંદ કરવામાં પાર્ટી કોઇપણ કચાશ રાખવા માગતી નથી.
પ્રદેશ માળખા માટે નેતૃત્વની ગુણવત્તા, સંગઠનની ઉંડી સમજ, દરેકને સાથે રાખવાની ક્ષમતા,જમીન સ્તરે મજબૂત પકડ અને સોશિયલ મીડિયા પર સક્રિયતાને મહત્વ અપાશે.પાર્ટીએ મંડળના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ પદ માટે વયમર્યાદા નક્કી કરી છે.આ નિર્ણય દિલ્હીમાં લેવાયો છે.પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્યની ટીમની રચના માટે નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે.
પાર્ટીએ નિર્ણય લીધો છે કે 45 વર્ષથી વધુ વય ધરાવતા કોઈપણ દાવેદારને મંડળના પ્રમુખપદ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જિલ્લા પ્રમુખ પદ માટે 55 વર્ષથી વધુ ઉંમરના લોકોના નામની વિચારણા કરવામાં આવશે નહીં.એ ઉપરાંત ઉમેદવાર પાસે પક્ષને મજબૂત બનાવવાની અને દરેકને સાથે લેવાની ક્ષમતા હોવી જોઈએ.
ભાજપે માત્ર ગુજરાત જ નહીં,દેશના અન્ય રાજ્યોમાં ઉંમરને વધારે મહત્વ આપ્યું છે.રાજ્યના પદાધિકારીઓ પસંદ કરતાં પહેલાં ઉંમર,અનુભવ અને ક્ષમતાની માપણી કરાશે.જો કે રાજ્યની ટીમ માટે વયમર્યાદા નિયત કરવામાં આવી નથી.વયમર્યાદાનો મુદ્દો માત્ર જિલ્લા,તાલુકા અને શહેર કક્ષાએ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની થનારી પસંદગીમાં ધ્યાને લેવાશે.


