રાજ્યમાં કાયદો જાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે અને ભાજપના ધારાસભ્યો સત્તાના નશામાં લોકોનું માન જાળવવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે,અવાર નવાર ભાજપના ધારાસભ્યો વિવાદિત નિવેદન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે.થોડા દિવસો પહેલાં જ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને ખિસ્સામાં રાખતા હોય તેવું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ હવે અમદાવાદના ભાજપના ધારાસભ્ય પોલીસકર્મી સાથે ખૂબ જ ગેરવર્તન કર્યું હતું.મહત્ત્વની વાત છે કે,જો સામાન્ય વ્યક્તિ પોલીસની સાથે આ પ્રકારનું વર્તન કરે તો પોલીસ તે વ્યક્તિને તરત જ જેલમાં ધકેલી દે છે પરંતુ આ તો ભાજપના ધારાસભ્ય સત્તાધારી પક્ષ એટલે પોલીસ પણ તેમની સામે કંઈ કરી શકી નહીં અને તેઓ ધારાસભ્યના ગેરવર્તન સહન કરતા રહ્યા.
રિપોર્ટ અનુસાર અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે ટ્રાફિક પોલીસકર્મી સાથે દાદાગીરી કરીને તેને લોકોની વચ્ચે સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપી હતી.અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિકના ASI વાહન ટોઈંગની કામગીરી કરી રહ્યા હતા.તે સમયે ધારાસભ્યએ ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરી હતી.પોલીસકર્મીનો હાથ ખેંચીને ઊંચા અવાજે ધારાસભ્યએ તેને ઉભા રહેવા માટે કહ્યું હતું અને તેની સાથે દાદાગીરી પણ કરી હતી.ધારાસભ્ય પ્રદીપ પરમાર માસ્ક પહેર્યા વગર પોલીસને ધમકાવી રહ્યા હતા.પોલીસે રાજસ્થાન હોસ્પિટલની સામેથી નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલું વાહન ટો કર્યું તે સમયે ધારાસભ્ય આ દૃશ્યો જોઈએ ગયા અને તેઓ પોતાની કારમાંથી નીચે ઉતરીને ટોઈંગ ક્રેન ઇન્ચાર્જ ઉદેસીંહને બોલાવીને તેમની સામે પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.ધારાસભ્યએ ફોન પર વાત કરતા સમયે ટ્રાફિક પોલીસનું નામ અને તેનો બકલ નંબર પર લીધો હતો અને તેને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતો. ધારાસભ્યનો પોલીસકર્મીની સાથે દાદાગીરીનો કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો પણ ધારાસભ્યના આ વર્તનની ટીકા કરી રહ્યા છે. પણ જો આ ધારાસભ્યની જગ્યા પર કોઈ સામાન્ય વ્યક્તિએ કે, અન્ય પક્ષના નેતાએ પોલીસ સાથે આ પ્રકારનું વર્તન કર્યું હોય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત.
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો પોલીસ સાથે દાદાગીરી કરતો વીડિયો વાઇરલ થયો છે.જેમાં પોતે જ માસ્ક વગર દેખાઇ રહ્યાં છે અને પોલીસને કાયદાના પાઠ ભણાવવા પ્રયાસ કર્યો હતો.એક તબક્કે તો ધારાસભ્યે કાયદો કે ભાન ભૂલીને લોકોને ઉશ્કેરતા કહ્યું હતું કે, ‘પોલીસને ધોવો, હું બેઠો છું’. ઉપરાંત, તેમણે કોઇ અધિકારીને ફોન કર્યો હતો અને તે ફોન ASIને આપ્યો હતો.આ વીડિયો વાઇરલ થયા બાદ ધારાસભ્ય પોલીસ પર દબાણ કરી રહ્યાં હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.બીજી તરફ,ટ્રાફિક JCP અને DCPએ ધારાસભ્યને બચાવવા ભેદી મૌન પાળ્યું હોય તેમ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી.
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમના વિસ્તારમાં પસાર થઇ રહ્યાં હતાં ત્યારે રાજસ્થાન હોસ્પિટલ નજીક ટ્રાફિક પોલીસે રસ્તામાં પડેલા વાહનો ઉપાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમયે ધારાસભ્ય પ્રદીપ પરમાર ગાડીમાંથી ઉતર્યા હતા. તેઓ પોલીસ કર્મી સાથે એફ ડિવિઝન ટ્રાફિક ASI ઉદેસિંહ પાસે ગયા હતા અને તેમનો હાથ ખેંચી કહ્યું હતું કે, ઊભા રહો. ત્યારે ASIએ કહ્યું હતું કે, હાથ ન પકડો. જોકે, પ્રદીપ પરમારે કહ્યું હતું કે, હાથ શું બધું પકડીશ.ઉપરાંત,એમ પણ કહ્યું હતું કે, ‘હું કહું એટલે ઊભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં ઓળખો છો મને’? ત્યાર બાદ ટોળુ એકઠું થઈ જતાં ધારાસભ્યે ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે, ‘આ શીખવાડ્યું છે તમને લોકોને? મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે’. આટલું કહીને ધારાસભ્યે ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે, ‘ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બક્કલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે’. તેમ કહીને DCP સાથે ASIને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્યે આસપાસ ઊભેલા લોકોને કહ્યું કે, ‘ધોવોને સાલાઓને, હું બેઠો છું’. આ પ્રકારે જાહેરમાં ધારાસભ્યે ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી.એટલું જ નહીં, પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.


