– પાલિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા વિરોધ કરનારાને બહાર લઈ જવાયા
– આપના કાઉન્સિલર દ્વારા ત્રણ મુદ્દાઓ પર આક્રોશપૂર્વકનો વિરોધ
સુરત : સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો છે.અગાઉ જ વિરોધ પક્ષ દ્વારા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન સભા યોજવા માટે રજૂઆત કરાઈ હતી.જો કે,શાસકો દ્વારા કોરોનાને કારણે ઓફલાઈનની જગ્યાઓ ઓનલાઈન સભા રાખવાના વિરોધમાં મહાનગરપાલિકાની કચેરીમાં વિપક્ષી કોર્પોરેટરોએ હલ્લાબોલ મચાવ્યો હતો.પાલિકામાં વર્ચ્યુઅલ સામાન્ય સભા સહિતના ત્રણ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે.પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે.જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે.વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો.વિરોધ પક્ષ દ્વારા રામધુન ગાઈને શાસકોને સદબુદ્ધિ આપે તે મુજબનો દેખાવો કરવામાં આવ્યા હતાં.મહાનગરપાલિકાની કચેરીમાં તોફાન કરતાં પાલિકાએ પોલીસ બોલાવીવી પડી હતી.સુરક્ષાકર્મીઓ દ્વારા વિરોધ કરી રહેલા આપના કાઉન્સિલરને બહાર લઈ જવામાં આવ્યાં હતાં.બેનર અને કટ આઉટમાં સ્લોગન લખીને આવેલા કાઉન્સિલરોએ પ્રચંડ વિરોધ કર્યો હતો.
આપના વિરોધના પગલે ગેટ બંધ કરી દેવાયો હતો.જેથી પાલિકામાં કામકાજ અર્થે આવતાં લોકોને અટવાઈ જવું પડ્યું હતું.પાલિકાના ગેટની બહાર જ પોલીસ દ્વારા વાહન ઉભી રાખી દેવામાં આવી હતી.જોકે,આપના કાઉન્સિવરો દ્વારા જણાવાયું હતું કે, લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ વિરોધ કરી રહ્યાં છે.ભાજપ દબાવવાના પ્રયાસ કરે છે પરંતુ એમે તેમના દબાણમાં આવીશું નહી.
આજની બજેટ સભાના એજન્ડા નં-20 થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની સોનાની લગડી જેવી કિંમતી જમીન સાવ મામુલી રકમ રૂપિયા 2.10/- પ્રતિ ચો.મી જેવા ભાવે 99 વર્ષના ભાડા પટ્ટે આપીને મહાનગરપાલિકાની તિજોરીને લૂંટવાનું કામ કર્યું છે.સરકારી જંત્રીના ભાવ સતત વધતા રહેતા હોય છે એવા સમયે સરકારી જમીનને મામુલી રકમમાં અને એ પણ લાંબા ગાળા માટે ભાડે આપીને પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કર્યું હોવાનું વિપક્ષ નેતાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું.
બજેટ સભામાં 24×7 નામની યોજના અંતર્ગત પાણીના મીટરો મૂકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે.તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી છે.જનતાલક્ષી માંગણીઓ ઉપર ધ્યાન આપવાના બદલે,ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં ઉપવાસ ઉપર બેસવા જતા વિરોધ થયો હતો.