– 128 બોટલ દારૂના જથ્થા સાથે બનેવીને વલસાડ શુગર ફેક્ટરી પાસેથી પોલીસે ઝડપી પાડ્યો
– પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 4.45 લાખના મુદ્દામાલ સાથે બૂટલેગર બનેવીની ધરપકડ કરી
સુરત : દમણથી સુરત સાળીના લગ્નમાં દારૂનો જથ્થો લઈ જઈ રહેલા બૂટલેગર બનેવીને વલસાડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.આરોપી મજબૂત પ્લાન બનાવીને મિત્રની વલસાડ પાસિંગ કાર લઇને રૂ 45 હજારની કિંમતનો 128 બોટલ વિદેશી દારૂ લઇને જઇ રહ્યો હતો,પણ પોલીસે આરોપીને વચ્ચેથી જ દબોચી લીધો હતો.
વલસાડ રૂરલ પોલીસના HC જ્યેન્દ્રસિંહ હરિસિંહને બાતમી મળી હતી કે દમણથી એક કાર (નં. GJ-15-CF-3672)માં બનાવેલા ચોર ખાનામાં દમણથી દારૂનો જથ્થો સંતાડી સુરત લઇ જવાઇ રહ્યો છે.એ બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે વલસાડ પારનેરા હાઇવે ઉપર શુગર ફેક્ટરી પાસે કારને અટકાવી ચેક કરતાં એમાંથી 128 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે સુરત ખાતે સાળીના લગ્નમાં દારૂનો જથ્થો પીરસવા લઇ જઈ રહ્યો હતો.રૂરલ પોલીસે કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 128 બોટલ દારૂના જથ્થા સાથે કારના ચાલકની ધડપકડ કરી હતી.
સુરત સાળીના લગ્નમાં પીરસવા લઈ જવાતા 128 બોટલ દારૂનો જથ્થાની કિંમત રૂ 45 હજાર અને કાર મળી કુલ 4.45 લાખના મુદ્દામાલ સાથે બૂટલેગર બનેવીની પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે દમણમાં RT-PCR ટેસ્ટ ફરજિયાત હોવાથી આરોપીએ વલસાડની પાસિંગની કારને કોઈ પૂછતું ન હોવાથી મિત્રની વલસાડ પાસિંગની કાર મેળવી સાળીના લગ્ન માટે દારૂનો જથ્થો લઈ જવાનો પ્લાન કર્યો હતો.


