ઓસ્ટ્રિયામાં ઈન્ટીગ્રેશન પ્રધાન સુઝેન રોબ દ્વારા નેશનલ મેપ ઓફ ઈસ્લામ નામની એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.એ સાથે જ વિવાદ ભડકી ઊઠયો હતો.આ વિવાદમાં મૂકવામાં આવેલી વિગતોના પરિણામે વૈશ્વિક વિરોધ ઊઠયો છે.આ નકશો જાહેર થવાથી ઓસ્ટ્રિયામાં શાસન ચલાવનાર ચાન્સેલર કુર્જની કંઝર્વેટીવ પાર્ટી અને તેને ટેકો આપનાર ગ્રીન પાર્ટી વચ્ચે તિરાડ પડી છે.ઓસ્ટ્રિયામાં રહેતા મુસ્લિમોએ વિરોધ અને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ હવે ભય અનુભવી રહ્યા છે. ઓસ્ટ્રિયાના એક મુસ્લિમ જૂથે ઓસ્ટ્રિયાની સરકારના ચાન્સેલર સબેસ્ટિયન ક્રૂઝ સામે આ વિવાદભર્યો નકશો જાહેર કરવા બદલ કેસ કરવાની જાહેરાત કરી દીધી છે.મુસ્લિમ યુથ ઓસ્ટ્રિયા નામના ગ્રૂપે આ વેબસાઈટ માન્ય કરવા બદલ સરકારની કડક ટીકા કરી છે.
ઓસ્ટ્રિયન પાર્ટીની પ્રવક્તાએ ટ્વિટર ઉપર જર્મન ભાષામાં પોસ્ટ લખીને ખુલાસો કર્યો હતો કે તેમની પાર્ટીનો કોઈપણ સભ્ય નકશાની પ્રક્રિયામાં સામેલ નથી,પાર્ટીને આ વિશે આગોતરી જાણ પણ કરવામાં આવી ન હતી.ઓસ્ટ્રિયાની ધી ગ્રૂપ ઓફ ઈસ્લામિક રિલિજિયસ કમ્યુનિટીએ ચેતવણી આપી છે કે આ રીતે મુસ્લિમોને જુદા તારવવાથી લોકતાંત્રિક વ્યવસ્થા અને સમાજ માટે જોખમ સર્જાયું છે.જર્મનીના ઈવેન્જેલિકલ લુથરન બિશપે ઓસ્ટ્રિયાના આ પગલાં સામે ચિંતા વ્યક્ત કરી છે.સાથે આ વેબસાઈટ બંધ કરવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયામાં ૧૯૦૪માં પ્રથમ ઈસ્લામિક એસોસિયેશનની રચના થઈ હતી.અહીં મુસ્લિમોની વસ્તી ૭ ટકા છે.અનેક ઊથલપાથલો પછી ૨૦૧૩માં ઓસ્ટ્રિયા સરકારે ઈસ્લામિક સમાજને માન્યતા આપી હતી. ૨૦૧૫માં ઓસ્ટ્રિયન સરકારે તમામ ઈસ્લામી સંસ્થાઓને વિદેશ ફંડ મેળવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ૨૦૧૭માં સરકારે નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ૨૦૧૮માં ચાન્સેલર સેબેસ્ટ્રિયન કૂર્ઝે સાત મસ્જિદો બંધ કરાવી તેના ઈમામને દેશનિકાલ કર્યા હતા. ૨૦૧૯માં કેબિનેટે જાહેરાત કરી હતી કે ૨૦૨૦થી દેશમાં ઈસ્લામની દરેક રાજકીય પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે.
શું છે આ વેબસાઈટમાં?
વેબસાઈટમાં ઓસ્ટ્રિયાના નકશામાં કયા કયા સ્થળે ઈસ્લામી મસ્જિદો, ઈસ્લામી સંસ્થાઓ, એસોસિયેશન વગેરે આવેલાં છે તે અંકિત કરવામાં આવ્યું છે.આવા કુલ ૬૨૦ નામ-સરનામાં આપવામાં આવ્યાં છે. તેમની કામગીરીની માહિતી આપવામાં આવી છે.આ તમામ સંસ્થાઓના અધિકારીઓ અને વડાઓના નામ-સરનામાં,ફોન નંબર આપવામાં આવ્યા છે.એ લોકોને કયા કયા દેશના લોકો સાથે સંપર્ક હોઈ શકે એની વિગતો આપવામાં આવી છે.


