જેરૂસલેમ : મુસ્લિમો માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી અલ-અક્સા મસ્જિદને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ ઉભો થયો છે.એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયેલ મળીને અલ-અક્સા મસ્જિદ પરથી જોર્ડનની દાયકાઓ જૂની સંરક્ષક ભૂમિકા ખતમ કરવાની ગુપ્ત યોજના પર કામ કરી રહ્યા છે.આ અહેવાલ બહાર આવતા જ મધ્ય પૂર્વમાં રાજકીય અને ધાર્મિક હલચલ મચી ગઈ છે.જોકે અમેરિકાએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવી ફગાવી દીધા છે.
અહેવાલ મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઈક હકાબી એક નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે.દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ અલ-અક્સા મસ્જિદની માત્ર મુસ્લિમ ઓળખ ઘટાડીને તેને મુસ્લિમ,ખ્રિસ્તી અને યહૂદી ત્રણેય ધર્મોના સંયુક્ત ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.અહેવાલ અનુસાર યહૂદીઓને પણ આ પરિસરમાં મોટા સમૂહમાં સત્તાવાર પ્રાર્થના કરવાની મંજૂરી આપવાનો વિચાર ચાલી રહ્યો છે.ઇઝરાયલ આ સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાવે છે.સાથે જ મસ્જિદના ઈમામોની નિમણૂક અને શુક્રવારના પ્રવચનો પર પણ ઇઝરાયલી મંજૂરી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ હોવાનું કહેવાઈ રહ્યું છે.
અહેવાલમાં વધુ દાવો કરવામાં આવ્યો છે કે જોર્ડન સમર્થિત ઇસ્લામિક વક્ફની ભૂમિકા ઘટાડીને બહેરીન,ઈજિપ્ત,મોરોક્કો અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને વારાફરતી દેખરેખ સોંપવાની યોજના ચર્ચામાં છે.સૂત્રોના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયા આ પ્રકારની કોઈપણ યોજના સામે સખત વિરોધમાં છે.સાઉદી અરેબિયાનું માનવું છે કે અલ-અક્સા પર જોર્ડનની સંરક્ષક ભૂમિકા મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.વિશ્લેષકો માને છે કે જો જોર્ડનની ભૂમિકા દૂર કરવામાં આવશે તો સમગ્ર વિસ્તારમાં ધાર્મિક તણાવ અને હિંસા વધી શકે છે.
હાલમાં અલ-અક્સા મસ્જિદની આંતરિક વ્યવસ્થા જોર્ડન સમર્થિત ઇસ્લામિક વક્ફ સંભાળે છે,જ્યારે બહારની સુરક્ષા ઇઝરાયલના હાથમાં છે.૧૯૬૭ના યુદ્ધ બાદ થયેલી વ્યવસ્થા મુજબ બિન-મુસ્લિમોને પરિસરમાં પ્રવેશની મંજૂરી છે, પરંતુ પ્રાર્થના કરવાનો અધિકાર માત્ર મુસ્લિમોને જ આપવામાં આવ્યો છે.
જોર્ડનનો હાશેમી શાહી પરિવાર વર્ષ ૧૯૨૪થી જેરૂસલેમના મુસ્લિમ અને ખ્રિસ્તી ધાર્મિક સ્થળોના સંરક્ષક તરીકે કાર્ય કરી રહ્યો છે અને ૧૯૯૪ની જોર્ડન-ઇઝરાયલ શાંતિ સંધિમાં પણ આ ભૂમિકાને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી.વિવાદ વધતા અમેરિકાના વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અમેરિકા અલ-અક્સા મસ્જિદ પરથી જોર્ડનની સંરક્ષક ભૂમિકા દૂર કરવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી અને આ સમગ્ર અહેવાલ પાયાવિહોણો છે.


