જેરૂસલેમ : મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભયાનક સંકેતો સામે આવ્યા છે.બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહ સામે હુમલા વધુ તેજ કરવાનો આદેશ આપ્યા બાદ ઇઝરાયલી સેનાએ લેબેનોન પર વ્યાપક હવાઈ હુમલાનો નવો તબક્કો શરૂ કર્યો છે.
લેબેનોનના બેકા ખીણ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ૪૫ દિવસના યુદ્ધવિરામને લંબાવવાની સમજૂતી બાદ ફરી શરૂ થયેલા આ હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતા વધારી દીધી છે.નેતન્યાહૂએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે ઇઝરાયલ હાલમાં હિઝબુલ્લાહ સામે સંપૂર્ણ યુદ્ધની સ્થિતિમાં છે અને સેનાને કચડી નાંખનારા પ્રહાર કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીની કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ૬૦૦થી વધુ લડવૈયાઓ માર્યા ગયા છે અને હવે હુમલાની તીવ્રતા વધુ વધારવામાં આવશે.
ઇઝરાયલ સરકારના કટ્ટરપંથી મંત્રીઓ બેઝાલેલ સ્મોટ્રિચ અને ઇતામાર બેન ગ્વીરે આ અભિયાનને લેબેનોનની રાજધાની બેરૂત સુધી લંબાવવાની માંગ કરી છે.બીજી તરફ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહે પણ ઇઝરાયલ સામે જોરદાર પલટવાર કરવાનો દાવો કર્યો છે.હિઝબુલ્લાહના જણાવ્યા મુજબ દક્ષિણ લેબેનોન અને ઉત્તર ઇઝરાયલમાં ૨૨ જેટલા ડ્રોન અને રોકેટ હુમલાઓ કરવામાં આવ્યા હતા.આ હુમલાઓમાં ઇઝરાયલી સૈનિકો, ટેન્કો, સૈન્ય છાવણીઓ અને સુરક્ષા મથકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.
૧૬ એપ્રિલે થયેલા યુદ્ધવિરામ બાદ શરૂઆતમાં હુમલાઓ દક્ષિણ લેબેનોન સુધી મર્યાદિત હતા, પરંતુ હવે પૂર્વ લેબેનોન સુધી હુમલા વિસ્તરતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.અહેવાલો મુજબ અત્યાર સુધી ઇઝરાયલના ૧૦ સૈનિકો મોતને ભેટ્યા છે,જ્યારે લેબેનોનમાં ભારે બોમ્બમારા અને હુમલાઓમાં ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે.મૃતકોમાં તબીબી કર્મચારીઓ અને આપાતકાલીન સેવા સાથે જોડાયેલા લોકો પણ સામેલ હોવાનું કહેવાય છે.
ઇઝરાયલ દ્વારા દક્ષિણ લેબેનોનના નાગરિકોને સતત વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવતા અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ લોકો બેઘર બન્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકોના મોત થયા હોવાનું લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.લેબેનોન સરકાર હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાની દિશામાં પ્રયાસ કરી રહી છે, પરંતુ તે માટે સંપૂર્ણ યુદ્ધવિરામ જરૂરી હોવાનું માની રહી છે.આ વધતા તણાવ વચ્ચે આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં ઇઝરાયલ અને લેબેનોનના અધિકારીઓ વચ્ચે વધુ એક તબક્કાની ચર્ચા યોજાનાર છે. જોકે, Iranએ અમેરિકા સાથે કોઈપણ શાંતિ સમજૂતી માટે તમામ મોરચા પર સંપૂર્ણ યુદ્ધવિરામની શરત મૂકી હોવાનું કહેવાઈ રહ્યું છે,જ્યારે ઇઝરાયલ હાલમાં યુદ્ધ રોકવાના મૂડમાં દેખાતું નથી.


